ગણેશ વિસર્જન માટે સુરત પાલિકાનો આરોગ્ય વિભાગ સફાઈ માટે સજ્જ, કચરા માટે 70થી વધુ કન્ટેનર મુકાયા
Surat Ganesh Visarjan : સુરતમાં આજે મળસ્કેથી ગણેશ વિસર્જન યાત્રા શરૂ થઈ ગઈ છે તેની સાથે સાથે સુરત પાલિકાના આરોગ્ય વિભાગે વિસર્જન યાત્રા દરમિયાન ફેંકાયેલો કચરો તથા કૃત્રિમ તળાવ નજીકના કચરાને ભેગા કરવા માટે 70થી વધુ કન્ટેનર ગોઠવી દીધા છે. આ ઉપરાંત વિસર્જન યાત્રા રૂટ પર પણ રાત્રી દરમિયાન જ સફાઈ થઈ જાય તે પ્રકારનું આયોજન કરી દીધું છે.
સુરત પાલિકાએ ગણેશ વિસર્જન માટે નવ ઝોનમાં 21 કૃત્રિમ તળાવ બનાવ્યા છે ત્યાં હજારોની સંખ્યામાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે. આ દરમિયાન કૃત્રિમ તળાવ અને શહેરમાં સફાઈ માટે પણ પાલિકાના આરોગ્ય વિભાગે ખાસ ધ્યાન રાખ્યું છે. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કૃત્રિમ તળાવ અને અન્ય જગ્યાએ 160 સુપરવાઈઝર, 928 સફાઈ કામદાર સાથે 17 જે.સી.બી., 24 ટ્રક, 34 ડોર ટુ ડોર ગાડી, 28 ઈ-વ્હીકલ સાથે 21 ટીમ દ્વારા સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. તેમજ વિસર્જન દરમિયાન ઉત્પન્ન થતા કચરાનું સેગ્રીગેશન કરવા કુલ 70થી વધુ કન્ટેનર મુકી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત વિસર્જન યાત્રા દરમિયાન કોઈને મેડિકલ સારવારની જરૂર પડે તેના માટે 21 ઓવારા ખાતે પ્રાથમિક સારવાર માટે 21 મેડીકલ ટીમ પણ તહેનાત કરી દેવામાં આવી છે. સાથે-સાથે 21 મોબાઇલ ટોઇલેટ પણ સ્થળ નજીક મુકવામાં આવ્યા છે.
આ ઉપરાંત ગણેશ વિસર્જન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઓવારા તેમજ તમામ રૂટની સફાઈની કામગીરીને ધ્યાને લેતા તમામ ઓવારા ખાતે 248 સુપરવાઈઝર, 3600 સફાઈ કામદાર સાથે 16 જે.સી.બી., 27 ટ્રક, 157 ડોર ટુ ડોર ગાડી, 127 ઈ-વ્હીકલ સાથે સફાઈ ઝુંબેશ હાથ ધરવા માટે પણ સુચના આપી દેવામાં આવી છે.