અલંગ આવેલા શિપમાં 500 મે. ટનથી વધુ પર્લાઈટનો જથ્થો મળી આવ્યો
- કોરિયન ફ્લેગના એલએનજી યોગ જહાજમાં જીપીસીબીનું 6 કલાક ઈન્સ્પેક્શન ચાલ્યું
- પ્લાયવુડ પેકેજિંગમાં પર્લાઈટનો જથ્થો મળી આવ્યો, જીપીસીબી દ્વારા આજે મંજૂરીની પ્રક્રિયા હાથ ધરાય તેવી ધારણાં
અલંગમાં પોતાની આખરી સફરે આવી રહેલા કોરિયન ફ્લેગના એલએનજી યોંગ નામના જહાજમાં પર્યાવરણના દ્રષ્ટિકોણથી જોખમી પદાર્થ હોવાની શંકાને પગલે જીએમબી, કસ્ટમ, જીપીસીબી સહિતની એજન્સીઓ સતર્ક થઈ છે. અલંગમાં આવનાર એલએનજી યોંગ નામના શિપમાં પર્લાઈટનો જથ્થો હોવાની શક્યતાને જોતા ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને શિપનું ઈન્સ્પેક્શન કરવાની જાણ કરવામાં આવી હતી અને તે અંતર્ગત જીપીસીબીના ત્રણ સભ્યોની ટીમ દ્વારા આજે સવારે ૧૧ કલાકથી શિપમાં ઈન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી., જે સાંજે પ વાગ્યા સુધી એટલે કે કુલ ૬ કલાક સુધી ચાલી હતી. જીપીસીબીના ઈન્સ્પેક્શનમાં એલએનજી શિપની અંદરની ટેન્કમાં -૧૬૩ ડિગ્રી તાપમાન મેઈન્ટેઈન રાખવા ઈન્શુલેશન માટે પર્લાઈટનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું તથા શિપમાં પ્લાયવુડ પેકેજીંગમાં ૫૦૦ મેટ્રિક ટનથી વધુનો પર્લાઈટનો જથ્થો ભરેલો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે એજન્સીને શિપમાં લૂઝ ફોર્મમાં પર્લાઈટનો જથ્થો મળ્યો નહોતા, જે રાહતની વાત છે. જીપીસીબી દ્વારા આ પર્લાઈટના જથ્થાનો પેકેજીંગ ફોર્મમાં જ નિકાલ કરવામાં આવે તેવી સુચના અપાઈ છે અને આવતીકાલે મંગળવારે મંજુરી માટેની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. ઉલ્લેખનિય છે કે, પર્લાઈટ મનુષ્યના શરીરમાં શ્વાસોશ્વાસ મારફત પ્રવેશે તો નુકસાનકારક સાબિત થાય છે ત્યારે આટલી મોટી માત્રામાં પર્લાઈટનો જથ્થાનો યોગ્ય રીતે નિકાલ થાય તે જરૂરી છે.