અમદાવાદમાંથી જ માલદિવ્સના 50થી વધુ બૂકિંગ કેન્સલ, હવે આ જગ્યાઓની ડિમાન્ડ વધી
માલદિવ્સના સ્થાને ફૂકેટ, બાલી ઉપર પસંદગી
લક્ષદ્વીપ પ્રવાસ માટેની ઈન્ક્વાયરીમાં ભારે વધારો
India-Maldives Row : ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અપમાનજનક ટિપ્પણી કરવા બદલ માલદિવ્સને આકરા પ્રત્યાઘાતોનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદમાંથી જ અંદાજે 50 લોકોએ માલ્દિવ્સ જવા માટેના બૂકિંગ કેન્સલ કરાવી દીધા છે.
ગુજરાતમાંથી વર્ષે બે લાખ લોકો જાય છે માલદિવ્સ
માલ્દિવ્સના પ્રધાનોએ ભારત વિરુદ્ધ કરેલી ટિપ્પણી બાદ સોશિયલ મીડિયામાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સોશિયલ મીડિયામાં ‘બોયકોટ માલ્દિવ્સ’ ટ્રેન્ડ થવા લાગ્યું હતું. ભારતમાંથી માલ્દિવ્સ માટેની પાંચ હજારથી વધુ ટિકિટ રદ કરવામાં આવી હતી. અમદાવાદની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 50 જેટલા બૂકિંગ રદ કરવામાં આવ્યા છે. એક ટૂર ઓપરેટરે જણાવ્યું કે, ‘અમદાવાદમાં અમારે ત્યાંથી 22થી વધુ દંપતિઓએ માલ્દિવ્સનો પ્રવાસ કેન્સલ કરેલો છે. હવે તેઓ માલ્દિવ્સને સ્થાને ફુકેટ, બાલી, ક્રાબીના બૂકિંગ કરાવી રહ્યા છે. સમગ્ર અમદાવાદમાંથી આ કેન્સલેશનનો આંક 50થી પણ વધુ હશે.’ ઉલ્લેખનીય છે કે, દર વર્ષે માત્ર ગુજરાતમાંથી બે લાખથી વધુ માલ્દિવ્સના પ્રવાસે જતાં હોય છે.
લોકો હવે સ્વંયભૂ માલ્દિવ્સ જવાનો બહિષ્કાર કરી રહ્યા છે
આ અંગે ટૂરિઝમ ડેવલપમેન્ટ સોસાયટીના મનિષ શર્માએ જણાવ્યું કે, કોઈ પણ સ્થળ ઈન બાઉન્ડ-આઉટ બાઉન્ડ હોય એમાં ત્યાં સુધી જ વિકાસ શક્ય છે જ્યાં સુધી તેમના વચ્ચે સુમેળભર્યા સંબંધ હોય. કોઈપણ દેશના અર્થતંત્રમાં ટૂરિઝમ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદનથી દેશના લોકોમાં નારાજગી થાય તે સ્વાભાવિક છે. ટૂર ઓપરેટર્સ દ્વારા જ નહીં લોકો હવે સ્વંયભૂ માલ્દિવ્સ જવાનો બહિષ્કાર કરી રહ્યા છે.માલ્દિવ્સનું કેન્સલેશન વધી રહ્યું છે તેની સાથે લક્ષદ્વિપની ઈન્ક્વાયરીમાં સતત વધારો થઇ રહ્યો છે. ’