MSUના વીસી બનવાની રેસ અંતિમ તબક્કામાં, 50 થી વધુ ઉમેદવારોએ બાયોડેટા મોકલ્યા
M S University Vadodara : એમ.એસ.યુનિવર્સિટીના આગામી વાઈસ ચાન્સેલર બનવા માટેની રેસ અંતિમ તબક્કામાં પહોંચી છે. વાઈસ ચાન્સેલરની પસંદગી કરવા માટેની સર્ચ કમિટિએ ઉમેદવારો પાસેથી બાયોડેટા મંગાવ્યા હતા. બાયોડેટા સુપરત કરવાની છેલ્લા તારીખ બે જાન્યુઆરી હતી.
જાણવા મળતી વિગતો પ્રમાણે 50 થી વધારે ઉમેદવારોએ વાઈસ ચાન્સેલર બનવા માટે બાયોડેટા મોકલ્યા છે. તા.4 જાન્યુઆરીએ સર્ચ કમિટિની આગામી બેઠક મળે તેવી શક્યતા છે.જેમાં આ બાયોડેટા પર ચર્ચા વિચારણા થશે.
જાણકારોનું કહેવું છે કે, બાયોડેટા મંગાવવાની કાર્યવાહી આમ તો ઔપચારિકતા છે. કારણકે વાઈસ ચાન્સેલરની નિમણૂક માટે છેલ્લે તો રાજ્ય સરકાર જ મંજૂરી આપતી હોય છે. સરકાર ધારે તો છેલ્લી ઘડીએ કોઈનું નામ ઉમેરાવી પણ શકે છે અને તેની પસંદગી પણ કરાવી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે યુનિવર્સિટીના સિનિયર અધ્યાપકો પણ વાઈસ ચાન્સેલર બનવાની રેસમાં છે અને લગભગ 10 કરતા વધારે વરિષ્ઠ પ્રોફેસરોએ બાયોડેટા આપ્યા છે. રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ જો અધ્યાપકોના અનુભવ, શૈક્ષણિક અને રિસર્ચની કામગીરી અને અન્ય બાબતોને ધ્યાનમાં રાખે તો એમ.એસ.યુનિવર્સિટીના ઉપરોક્ત અધ્યાપકોમાંથી કોઈ પણ વાઈસ ચાન્સેલર બનવાની લાયકાત ધરાવે છે. કેમ્પસમાં પણ એવો સૂર ઉઠી રહ્યો છે કે, સરકાર એમ.એસ.યુનિવર્સિટીની ઉપેક્ષા કરવાનું બંધ કરે અને એમ.એસ.યુનિવર્સિટીના જ અધ્યાપકને જ વાઈસ ચાન્સેલર બનાવે. સ્વાભાવિક છે કે, વાઈસ ચાન્સેલર સ્થાનિક હોય તો યુનિવર્સિટીના પ્રશ્નોને સારી રીતે સમજી શકશે અને તેનો ઉકેલ લાવવાનો રોડ મેપ પણ તેમની પાસે હશે.
ઉલ્લેખનીય છે કે, પોતાના કાર્યકાળમાં છાશવારે વિવાદોમાં રહેલા વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવની ટર્મ તા.8 ફેબ્રુઆરીએ પૂરી થઈ રહી છે. આમ નવા વાઈસ ચાન્સેલરની નિમણૂકમાં એકાદ જ મહિનાનો સમય રહ્યો છે.