સુરત ડાયમંડ બુર્સમાંથી છ મહિનામાં 40 હજાર કરોડથી વધુનું એક્સપોર્ટ થશે
-આગામી બે વર્ષમાં મુંબઇનો અંદાજે 60થી 70 ટકા હીરાનો વેપાર સુરત આવી જાય તેવી ગણતરી : મુંબઇ કસ્ટમ હાઉસ જેવી સુવિધા ઉભી કરાઇ
સુરત
સુરત ફરી એક વખત વેપાર ઉદ્યોગ જગતમાં ડાયમંડ બુર્સને કારણે ચર્ચામાં આવી ગયું છે. આ વિશ્વનું સૌથી મોટું કોમશયલ બિલ્ડીંગ છે. હીરા ઉદ્યોગના વેપાર અને નિકાસ કામકાજનું એક મોટું કેન્દ્ર આવનારાં દિવસોમાં બનશે. આ બૂર્સ શરૃ થયા પછી, છ મહિનામાં સુરતથી રુ. 40 હજાર કરોડથી વધુની નિકાસ થશે એવો અંદાજ છે.
સુરત હીરા બુર્સને સૌથી વધુ સુરક્ષિત અને સલામત બનાવવા માટે અત્યંત ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમામ પ્રકારની સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ડિસેમ્બરના મધ્યમાં આને ખુલ્લું કરાયાં પછી, બે વર્ષની અંદર આશરે 60થી 70 ટકા મુંબઈનો હીરાનો વેપાર સુરત આવી જશે એવી, ગણતરીઓ છે.
મુંબઈ કસ્ટમ હાઉસમાં હાલમાં જે સુવિધાઓ અને સ્ટાફ છે એટલો સ્ટાફ કામ કરી શકે તેવી સગવડ અહીં ઊભી કરવામાં આવી છે. 40 જણાનો સ્ટાફ હોય તો પણ વાંધો નહીં આવે તેટલી વિશાળ જગ્યા છે. કસ્ટમ્સ વિભાગમાં પાર્સલ લઈને ક્લિયરન્સ માટે જતો વેપારી કે ઉદ્યોગકારનો સમય નહીં બગડે તે માટે ટોકન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે કે જેથી કામ વધુ સરળ થઈ શકે.
હીરા બુર્સમાં વિર્શ્વની સૌથી અગત્યની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બુર્સમાં પ્રવેશ માટે દેશમાં પણ ખૂબ જૂજ સંખ્યામાં છે, એવી ટચ-લેસ વવ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એમ નિલેશ બોડકીએ વાતચીતમાં જણાવ્યું હતું. પ્રવેશ માટે કોઈ આઇ-કાર્ડ કે વિશેષ કાર્ડ નથી. દરેક એક્સેસ પોઈન્ટ પર આધુનિક મશીનો છે, જેમાં હાથ મૂકવા માત્રથી હવાના મોજાં મારફત રીડિંગના આધારે પ્રવેશ આપશે.
આ ટચ-લેસ વવ ટેકનોલોજી વિર્શ્વની સૌથી અધ્યતન છે. હીરા બુર્સમાં અંદર બહાર અને સમગ્ર વિસ્તારમાં 3800 જેટલાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યાં છે, અને મોનિટરિંગ માટે એક અધ્યતન ડેટા સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. બુર્સમાં પ્રવેશનાર વ્યક્તિ કે કેમ્પસમાં આવેલાં વાહનો પર પણ સીધી નજર રહેશે. પ્રવેશ માટેની લાંબી કડાકૂટ કે સમયના બચાવ માટે ખાસ એપ્લિકેશન બનાવવામાં આવી છે જેના મારફત મુલાકાતી સરળતાથી પ્રવેશ મેળવી શકાશે