વડોદરામાં થર્ટી ફર્સ્ટની રાત્રે 25 પીધેલા વાહન ચાલકો સહિત 40થી વધુ ઝડપાયા, 141 વાહન કબજે
Vadoadra : વડોદરામાં ગઈ રાતે ન્યુ યરની ઉજવણી દરમિયાન નશાબાજોને પકડવા માટે પોલીસ દ્વારા ઠેક ઠેકાણે નાકાબંધી કરવામાં આવી હતી. જે દરમિયાન 40 થી વધુ પીધેલા પકડાયા અને 141 વાહન કબજે લીધા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
થર્ટી ફર્સ્ટની રાત્રે ડ્રિંક્સ એન્ડ ડિનરની પાર્ટીઓ થતી હોવાથી પોલીસ દ્વારા શહેરમાં 30થી વધુ સ્થળોએ પોઇન્ટો ગોઠવી નાકાબંધી કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા બ્રેથએનેલાઇઝર તેમજ નશા માટે સ્પેશિયલ કીટ દ્વારા વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તો કેટલાક સ્થળોએ સફેદ પટ્ટા દોરીને શંકાસ્પદોને ચલાવવામાં આવ્યા હતા. જે યુવક સીધો પટ્ટા પર ચાલે તેને ઘેર જવા દેતા હતા અને જે લથડી જાય એને પોલીસ સ્ટેશન મોકલવામાં આવતા હતા.
ખુદ પોલીસ કમિશનર તેમજ તમામ ઉચ્ચ અધિકારીઓ પણ શહેરમાં જુદા-જુદા સ્થળોએ પેટ્રોલિંગમાં રહ્યા હતા. ફતેગંજ વિસ્તારમાં મુખ્ય ઉજવણી થતી હોવાથી પોલીસે વાહન વ્યવહાર બંધ કરાવી દીધો હતો.
પ્રાથમિક માહિતી મુજબ ગઈ રાત્રે જુદી-જુદી જગ્યાએ 25 જેટલા પીધેલા વાહન ચાલકો સહિત કુલ 40 થી વધુ લોકો પકડાયા છે. જેના સત્તાવાર આંકડા પછીથી જાહેર કરવામાં આવનાર છે.