Get The App

ગીર જંગલની આસપાસ હોમ સ્ટેના બહાને 300થી વધુ ગેરકાયદે ધમધમતી હોટલો

Updated: Mar 1st, 2025


Google News
Google News
ગીર જંગલની આસપાસ હોમ સ્ટેના બહાને 300થી વધુ ગેરકાયદે ધમધમતી હોટલો 1 - image


સિંહોના મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સંકલનનો મોટો અભાવ : સોલાર પ્રોજેક્ટ, પવનચક્કી, મોબાઈલ ટાવર, આરએફની જમીનમાં સફારી પાર્ક સહિતના રાજ્ય સરકારના નિર્ણયોથી મોટી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે 

જૂનાગઢ, : સાસણમાં 1956 બાદ પ્રથમ વખત નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઇફની બેઠક વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને તા. 3ને સોમવારે યોજાવા જઈ રહી છે. ત્યારે સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફના પૂર્વ સભ્યએ વન વિભાગની અનેક નીતિઓ સામે સવાલો ઊભા કરી દીધા છે. મુખ્યત્વે, થોડા સમય પહેલા જ રાજ્ય સરકારે અભયારણ્ય આસપાસ વાણિજ્યિક પ્રવૃત્તિઓને મંજૂરી માટેની જોગવાઈમાં જે સુધારો કર્યો તે વાસ્તવમાં સિંહો માટે નુકસાનકર્તા હોવાના સ્પષ્ટ નિર્દેશ સાથે વડાપ્રધાનનું ધ્યાન દોરવામાં આવ્યું છે. આ મામલે વન્ય પ્રાણી સુરક્ષા અધિનિયમનો જ ખુદ સરકાર જ ભંગ કરતી હોવાનો પણ તેમણે આક્ષેપ કરતાં મામલો ગરમાયો છે.

વડાપ્રધાને ગુજરાત છોડયા બાદ તેમના ધ્યાનમાં નહીં હોય કે ગીર જંગલ તથા આજુબાજુના વિસ્તારમાંથી ગેસની પાઇપલાઇન, રેલવેનું ગેઈજ કન્વર્ઝન, ઈલેક્ટ્રિકફીકેશન, મોબાઈલ ટાવર્સ, મોટા સોલાર પ્લાન્ટ, પવનચક્કી, રિઝર્વ ફોરેસ્ટમાં સફારી પાર્કની યોજનાઓ, ગેરકાયદેસર હોટલ અને રિસોર્ટ જેવી અનેક ચિંતાજનક ઘટનાઓ ઉપરા ઉપરી બની રહી છે એમ કહી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફના આ પૂર્વ સભ્ય ઉમેરે છે કે ખુદ વડાપ્રધાનને પણ આ સાંભળી દુ:ખ થાય તેમ છે.

તા. 1-7-2015ના ઠરાવ મુજબ અભયારણ્યની બાઉન્ડ્રીથી એક કિલોમીટરનાં અંતરમાં કોઈપણ હોટલ, રિસોર્ટ કે વાણિજ્ય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે. હવે તા. 20 ફેબુ્રઆરીના સુધારા ઠરાવ હેઠળ આ બધી પ્રતિબંધિત પ્રવૃત્તિઓને કાયદેસરની મંજૂરી મળી જશે તેવો આક્ષેપ સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફના પૂર્વ સભ્ય ભૂષણ પંડયાએ કર્યો છે.  છેલ્લા દસ વર્ષમાં ગીરની આસપાસના વિસ્તારોમાં હોમ સ્ટેના બહાના હેઠળ 300 હોટલ્સ, રિસોર્ટ ગેરકાયદેસર ધમધમી રહ્યા છે. ત્યાં લગ્ન પ્રસંગ સહિતની પાર્ટીઓ અને ગેરકાયદેસર લાયન શો યોજાય છે તેના કારણે વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચે છે. સુધારા ઠરાવ અમલમાં આવવાથી આ બધા એકમો કાયદેસર થઈ જશે તેમજ બીજા અનેક આવી પણ જશે. 

જે સુધારા ઠરાવ કરવામાં આવ્યો તે ફોરેસ્ટ એક્ટ  1980ની જોગવાઈનું પણ ઉલ્લંઘન છે. વર્ષ 1956માં તે સમયની ઇન્ડિયન બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફની મીટીંગ સાસણમાં યોજાઈ હતી. દેશભરના નેશનલ બોર્ડ ફોર લાઇફના નિષ્ણાંત સભ્યોને ખ્યાલ આવશે કે આ બધી ઘટનાઓ જાણે ઓછી હોય તેમ ગેરકાયદેસર હોટલ અને ઉદ્યોગોને અભયારણ્યની સાવ નજીકમાં જ મંજૂરી આપવા માટેનો આ નવો સુધારો કરવામાં આવ્યો છે. આ ઘટનાથી સમગ્ર બોર્ડનું માથું પણ શરમથી ઝૂકી જાય તેમ છે. આવી તમામ બાબતોની સ્ટેટ બોર્ડ ફોર લાઇફના પૂર્વ સભ્યએ વડાપ્રધાન, મુખ્યમંત્રી, વન મંત્રી સહિતનાઓને રજૂઆત કરી છે કે તાત્કાલિક આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઈ યોગ્ય નિર્ણય કરવામાં આવે તે સિંહનાં હિતમાં છે. વડાપ્રધાનના આગમન સમયે જ પૂર્વ સભ્યના પત્રથી વન વિભાગ અને ગીરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

શું સુધારા ઠરાવ થયો

અગાઉના સમયમાં અભયારણ્યની બોર્ડરથી 1 કિમી, 1થી 2 કિમી, 2થી 5 કિમી સુધીના વિસ્તારમાં ગાંધીનગર સ્થિત વન વિભાગના ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડન દ્વારા 'ના-વાંધા પ્રમાણપત્ર' આપવામાં આવતું હતું. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના નાયબ સચિવ આસવ ગઢવી દ્વારા તા. 20-2-2025 ના સુધારા ઠરાવ કરી ૦થી 5 કિમીના વિસ્તારમાં સ્થાનિક કક્ષાએ ના-વાંધા પ્રમાણપત્ર આપવાની સત્તા આપી દેવામાં આવી છે. જેમાં કલેક્ટર અધ્યક્ષ, સબંધીત નાયબ વન સંરક્ષક સભ્ય સચિવ, ડીડીઓ અને એસપી તે કમિટીના સભ્ય રહેશે. આ સુધારા ઠરાવથી હવે ગાંધીનગરને બદલે સ્થાનિક કક્ષાએ જ મંજુરીઓ આપી દેવામાં આવશે.

પૂર્વ મુખ્યમંત્રીના પરિવારજનોની મિલ્કતને ફાયદા માટે કાયદામાં સુધારો ?

તા. 18 સપ્ટેમ્બર 2024ના કેન્દ્ર સરકાર દ્વારા ગીરના ઈકો ઝોનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું ત્યારથી ગીર પંથકમાં તેનો ઉગ્ર વિરોધ શરૂ થયો છે. ગીર પંથકમાં દરેક તાલુકા મથકે તથા ગ્રામ્ય કક્ષાએ નવરાત્રી, દિવાળી જેવા તહેવારોમાં લોકોએ અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. 60 દિવસ વાંધાસુચનો રજુ કરવાનો સમય હતો તે દરમ્યાન 70,000થી વધુ લોકોએ લેખિતમાં વાંધા રજુ કર્યા હોવા છતાં હજુ સુધી તેનું કોઈ નિરાકરણ થતું નથી. બીજી તરફ હોટલ અને ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે માટે કાયદામાં સુધારાઓ કરવામાં આવે છે. ધારી પંથકમાં પૂર્વ મુખ્યમંત્રીના પરિવારજનોની હોટલ સહિતનાઓના ફાયદો થાય તેવા નિર્ણયો થઈ રહ્યા છે. હક્કિતે ખેડૂતો અને સ્થાનિક લોકો માટે ફાયદો કરવાને બદલે નેતાઓ અને ઉદ્યોગપતિઓનો ફાયદો જોવામાં આવી રહ્યો છે.


Tags :
RajkotJunagadh300-illegal-hotels-operating-under-the-pretext-of-home-stays

Google News
Google News