કેન્દ્ર-રાજ્યમાં સંકલનનો અભાવ : ગીરના જંગલોની આજુબાજુ 300થી વધુ ધમધમતી હોટેલ ગેરકાયદે
Gir Forest Stay Home: સાસણમાં 1956 બાદ પ્રથમ વખત નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઇફની બેઠક વડાપ્રધાનના અઘ્યક્ષ સ્થાને આજે (3જી માર્ચે) યોજાઈ રહી છે. ત્યારે સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફના પૂર્વ સભ્યએ વન વિભાગની અનેક નીતિઓ સામે સવાલો ઊભા કરી દીધા છે.
મુખ્યત્વે, થોડા સમય પહેલા જ રાજ્ય સરકારે અભ્યારણની આસપાસ વાણિજ્યિક પ્રવૃત્તિઓને મંજૂરી માટેની જોગવાઈમાં જે સુધારો કર્યો તે વાસ્તવમાં સિંહો માટે નુકસાનકર્તા હોવાના સ્પષ્ટ નિર્દેશ સાથે વડાપ્રધાનનું ઘ્યાન દોરવામાં આવ્યું છે. આ મામલે વન્ય પ્રાણી સુરક્ષા અધિનિયમનો જ ખુદ સરકાર જ ભંગ કરતી હોવાનો પણ તેમણે આક્ષેપ કરતાં મામલો ગરમાયો છે.
રાજ્ય સરકારના નિર્ણયોથી સર્જાઈ શકે છે મોટી મુશ્કેલીઓ
વડાપ્રધાને ગુજરાત છોડ્યા બાદ તેમના ઘ્યાનમાં નહીં હોય કે ગીર જંગલ તથા આજુબાજુના વિસ્તારમાંથી ગેસની પાઇપલાઇન, રેલવેનું ગેઈજ કન્વર્ઝન, ઈલેક્ટ્રિકફીકેશન, મોબાઈલ ટાવર્સ, મોટા સોલાર પ્લાન્ટ, પવનચક્કી, રિઝર્વ ફોરેસ્ટમાં સફારી પાર્કની યોજનાઓ, ગેરકાયદેસર હોટલ અને રિસોર્ટ જેવી અનેક ચિંતાજનક ઘટનાઓ ઉપરા ઉપરી બની રહી છે એમ કહી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફના આ પૂર્વ સભ્ય ઉમેરે છે કે ખુદ વડાપ્રધાનને પણ આ સાંભળી દુઃખ થાય તેમ છે.
1 જુલાઇ 2015ના ઠરાવ મુજબ અભ્યારણનીની બાઉન્ડ્રીથી એક કિલોમીટરનાં અંતરમાં કોઈપણ હોટલ, રિસોર્ટ કે વાણિજ્ય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે. હવે તા.20 ફેબ્રુઆરીના સુધારા ઠરાવ હેઠળ આ બધી પ્રતિબંધિત પ્રવૃત્તિઓને કાયદેસરની મંજૂરી મળી જશે તેવો આક્ષેપ સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફના પૂર્વ સભ્ય ભૂષણ પંડ્યાએ કર્યો છે.
છેલ્લા દસ વર્ષમાં ગીરની આસપાસના વિસ્તારોમાં હોમ સ્ટેના બહાના હેઠળ 300 હોટલ્સ, રિસોર્ટ ગેરકાયદેસર ધમધમી રહ્યા છે. ત્યાં લગ્ન પ્રસંગ સહિતની પાર્ટીઓ અને ગેરકાયદેસર લાયન શો યોજાય છે તેના કારણે વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચે છે. સુધારા ઠરાવ અમલમાં આવવાથી આ બધા એકમો કાયદેસર થઈ જશે તેમજ બીજા અનેક આવી પણ જશે.
જે સુધારા ઠરાવ કરવામાં આવ્યો તે ફોરેસ્ટ એક્ટ 1980ની જોગવાઈનું પણ ઉલ્લંઘન છે. વર્ષ 1956માં તે સમયની ઇન્ડિયન બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફની મીટીંગ સાસણમાં યોજાઈ હતી. દેશભરના નેશનલ બોર્ડ ફોર લાઇફના નિષ્ણાંત સભ્યોને ખ્યાલ આવશે કે આ બધી ઘટનાઓ જાણે ઓછી હોય તેમ ગેરકાયદેસર હોટલ અને ઉદ્યોગોને અભ્યારણનીની સાવ નજીકમાં જ મંજૂરી આપવા માટેનો આ નવો સુધારો કરવામાં આવ્યો છે.
આ ઘટનાથી સમગ્ર બોર્ડનું માથું પણ શરમથી ઝૂકી જાય તેમ છે. આવી તમામ બાબતોની સ્ટેટ બોર્ડ ફોર લાઇફના પૂર્વ સભ્યએ વડાપ્રધાન, મુખ્યમંત્રી, વન મંત્રી સહિતનાઓને રજૂઆત કરી છે કે તાત્કાલિક આ બાબતને ગંભીરતાથી ઘ્યાને લઈ યોગ્ય નિર્ણય કરવામાં આવે તે સિંહનાં હિતમાં છે. વડાપ્રધાનના આગમન સમયે જ પૂર્વ સભ્યના પત્રથી વન વિભાગ અને ગીરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.