આંકલાવની આસોદર ચોકડીએ 190 થી વધુ લારી-ગલ્લાના દબાણો દૂર કરાયા
- માર્ગ અને મકાન વિભાગે દિવાળી પૂર્વે નોટિસ ફટકાર્યા બાદ આખરે કાર્યવાહી
- લારી-ગલ્લા અને પાથરણાવાળાઓના દબાણોના કારણે રાજ્ય ધોરી માર્ગ ઉપર બ્રિજ નીચે ટ્રાફિકની સમસ્યા વકરી હતી : પોલીસને સાથે રાખી બૂલડોઝર ફેરવ્યા
આણંદ જિલ્લામાં આણંદ શહેર ઉપરાંત વિવિધ તાલુકા મથકો ખાતે જાહેર માર્ગો ઉપર અડચણરૂપ દબાણો દૂર કરવાની જિલ્લા કલેક્ટરની તાકીદ બાદ આખરે તંત્ર જાગ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ છે.
આંકલાવ તાલુકાનું ઔદ્યોગિક હબ ગણાતી આસોદર ચોકડી ખાતે વાસદ-બોરસદ સ્ટેટ હાઈવે પરના પૂલની બંને બાજૂએ લાંબા સમયથી લારી અને પાથરણાવાળાઓના દબાણના કારણે ટ્રાફિકજામની સમસ્યા બારમાસી બની હતી. પરિણામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા દિવાળી પહેલા દબાણકર્તાઓને નોટિસ ફટકારી દબાણો દૂર કરવા સુચનાઓ આપી હતી પરંતુ સ્થાનિકોએ રજૂઆત કરી દબાણો દૂર નહીં કરવા માંગણી કરી હતી. ત્યારે રાજકીય અગ્રણીઓની રજૂઆતના પગલે તહેવારના સમયે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી ન હતી. તેવામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફરી દબાણો દૂર કરવા નોટિસ આપી હતી.
તેમજ ગત રવિવારે પોલીસ બંદોબસ્ત સાથે ઉચ્ચ અધિકારીઓએ ફૂટ માર્ચ પણ કરી હતી.
પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે આસોદર ચોકડી ખાતે સોમવારે પહોંચી હતી. તંત્ર દ્વારા ૮ ટ્રેક્ટર, ૪ જેસીબી મશીન તથા માર્ગ અને મકાન વિભાગના ૨૫ શ્રમિકોની મદદથી આસોદરથી ખડોલ ચોકડી, આસોદરથી વાસદ ચોકડી, આસોદરથી આંકલાવ ચોકડી અને આસોદરથી બોરસદ ચોકડી સુધીના ૧૯૦થી વધુ લારી-ગલ્લાં, પાથરણાવાળા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તેમજ આસોદર ચોકડીએ વર્ષો જૂના પતરાના દબાણો ઉપર પણ બૂલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
ચિખોદરા અને સામરખા ચોકડીના દબાણો પણ દૂર કરાશે
માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર જીગર પટેલે જણાવ્યું હતું કે, અંદાજે ૧૯૦ જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. આણંદની બોરસદ ચોકડીથી ચિખોદરા ચોકડી તથા સામરખા ચોકડીના દબાણો પણ દબાણો ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે.