Get The App

રાજકોટમાં 6 દિવસમાં 12 લાખથી વધુ લોકોએ મોજથી લોકમેળો માણ્યો

Updated: Aug 22nd, 2022


Google NewsGoogle News
રાજકોટમાં 6 દિવસમાં 12 લાખથી વધુ લોકોએ મોજથી લોકમેળો માણ્યો 1 - image


કલેક્ટર તંત્રને રૂ।. 2.91 કરોડની, વેપારીઓ- ફેરિયાને અંદાજે 50 કરોડની કમાણી  : 170 ટનથી વધુ કચરો ઉપાડાયો,ખાણીપીણીમાં લોલંલોલ, 680 કિલોનો  નાશ, મેળામાં 400ને કોરોના રસીકરણ, 150 ટનથી વધુ કચરો ઉપાડયો : પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં 63,000 રામવનમાં  2 લાખ, ન્યારી આજી ડેમે 3 લાખ,વાગુદડ ઉદ્યાને 1 લાખ,ઈશ્વરીયામાં 50,000 લોકો ફરવા ગયા 

 રાજકોટ, : કોરોનાના બે વર્ષના કપરા કાળ પછી યોજાયેલ સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટ રેસકોર્સ લોકમેળાને આજે એક દિવસ લંબાવાયા બાદ આજે મધ્યરાત્રિએ મેળાનું સમાપન થયું હતું. છ દિવસમાં આશરે 12 લાખથી વધુ નાગરિકો મેળામાં આવ્યાનું અને સાતમ આઠમના બે દિવસમાં 6 લાખથી વધુ લોકો ઉમટયાનું કલેક્ટર તંત્રએ જણાવ્યું છે. આ સાથે રાજકોટના હરવા ફરવાના સ્થળોએ શહેરીજનો અને બહારગામથી આવેલા કૂલ આશરે ૨૨ લાખ લોકો રંગીલા રાજકોટમાં ટ્રાફિક જામ,ભંગાર રસ્તાની સમસ્યા વચ્ચે મોજમસ્તીથી હરી ફરીને રોજિંદી ઘટમાળમાંથી રાહત મેળવી હતી. 

લોકમેળા ઉપરાંત તા. 16ના ખુલ્લા મુકાયેલા રામવનમાં પ્રવેશ ફ્રી રખાતા છ દિવસમાં 2 લાખથી વધુ  મુલાકાતીઓ  ઉમટી પડયા હતા અને વિજીલન્સ પોલીસ તૈનાત કરવી પડી હતી. જ્યારે પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં  ૫૦૮ પ્રાણી-પંખીઓને નિહાળવા રૂ।.૨૫ની ટિકીટ લઈને 63,000 થી વધુ મુલાકાતીઓ આ છ દિવસમાં આવ્યા છે જે સામાન્યતઃ આટલા દિવસોમાં 15થી 17 હજાર હોય છે.ન્યારી અને આજી ડેમ પર આશરે ૩ લાખથી વધુ લોકો ફરવા ઉમટયા હતા તો કાલાવડ રોડ પર વાગુદડના રસ્તે વિશાળ  ઉદ્યાનમાં આશરે એક લાખ મુલાકાતીઓએ ઉજાણી કરી હતી. ઈશ્વરીયા પાર્ક, મહાદેવ મંદિરે આશરે પચાસ હજાર લોકા ફર્યા હતા. રાજકોટમાં આશરે સાતથી આઠ લાખ લોકો બહારગામથી ફરવા આવ્યા હતા. 

મહાપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા લોકમેળામાં આવતા મુલાકાતીઓમાં ગઈકાલ સુધીમાં 381 અને આજ સહિત કૂલ 400થી વધુ લોકોને કોરોના રસીનો બાકી ડોઝ આપ્યો હતો અને 270 જેટલા લોકોએ સ્થળ પર એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો. આરોગ્ય અધિકારી ડો.લલિત વાંઝાએ જણાવ્યું કે  મેળાના ટેસ્ટીંગમાં કોઈ પોોઝીટીવ કેસ આવ્યો નથી. પરંતુ, શહેરમાં ગત તા. 20ના ૧૬ કેસ તથા એકનું મોત, ગઈકાલે 12 કેસો નોંધાયા હતા. જો કે, ગઈકાલે રજાના માહૌલમાં માત્ર 391 ટેસ્ટ કરાયા હતા. 

લોકમેળા સહિત તમામ ખાનગી મેળાઓમાં ખાણીપીણીમાં બેફામ ભેળસેળ  નજરે પડી હતી અને મનપાએ અખાદ્ય અને વાસી પદાર્થ છતાં વેચવા માટે રાખેલ 680 કિલો સામગ્રીનો નાશ કર્યો હતો. 

છ દિવસમાં 170 ટનથી વધુ કચરો મેળામાં ફેંકવામાં આવ્યો હતો જે મોટાભાગે આઈસ્ક્રીમના પેકિંગ મટીરીયલ્સ હતા  જે 200 સફાઈ કર્મીઓ દ્વારા ઉપાડવા કાર્યવાહી થઈ હતી અને હજુ ઠેરઠેર કચરાના ગંજ ખડકાયા છે. 

રાજકોટની 20 લાખની વસ્તી એક જ મેળાનું આયોજન થતા ભારે ભીડ અને ત્રાસરૂપ ટ્રાફિક જામ રહ્યો હતો, મેળા આયોજનમાં ફેરિયાઓને નિયમબધ્ધ નહીં કરાતા ભીડ વધુ સર્જાઈ હતી. મેળાના આયોજનથી જિલ્લા કલેક્ટર તંત્રને રૂ।. 2.91 કરોડની આવક થઈ છે અને ખર્ચનો હિસાબ હવે થશે જે આશરે રૂ।.દોઢેક કરોડ થવાનો અંદાજ છે. જ્યારે વેપારીઓ,ફેરિયાઓને ત્યાં તડાકો પડયો હતો અને આશરે રૂ।.૫૦ કરોડથી વધુનો વકરો થયાનો અંદાજ છે. 

મળામાં મહિલાઓને રોજીરોટી માટે વહીવટી તંત્ર  દ્વારા વિશાળ મંડપ ઉભા કરાયા હતા જેમાં મહિલાઓ કીચેઈન,ભરતગુંથણ,રમકડાં, ઢીંગલી, પર્સ તથા ખાદી-ગ્રામોધ્યોગની વસ્તુનું વેચાણ કરીને પ્રત્યેકે સરેરાશ રૂ।. 20થી 30 હજારની આવક રળી હતી. ભાતીગળ લોકમેળામાં છુંદણા પડાવવામાં પણ મુલાકાતી મહિલાઓએ ભારે રસ લીધો હતો. 


Google NewsGoogle News