જામનગરવાસીઓ સાવધાન! ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ કરતા પહેલા ચેતી જજો, 100 લોકો છેતરાયા
Online Investment Fraud in Jamnagar : જામનગર શહેરમાં ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ કરનારી એક ખાનગી -ઈ કંપનીના સંચાલકો લાખો રૂપિયાનું ચીટીંગ કરીને રફુ ચક્કર થઈ જતાં તેઓનો શિકાર બનેલા જામનગરના 103 લોકોએ સહીઓ કરીને રૂ.32.98 લાખ ગુમાવ્યાની એસપીને લેખિત ફરિયાદ કરીને ન્યાયની માંગણી કરી છે.
જામનગર શહેરના કેટલાક રોકાણકારો સાથે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ કરનારી મ્હીપોબ સ્પાર નામની કંપનીના અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપી ને મોબાઈલ ફોન પર વાતચીત કરતાં હતા.
જે શખસો ગ્રાહકોને ઓનલાઈન રોકાણના નામે લોભામણી સ્કીમો આપીને ગ્રાહકોને આકર્ષતા હતાં, અને રોકાણ કરાવતા હોવાનું ભોગ બનેલા 103 લોકોએ જણાવ્યું હતું.
જામનગર શહેરના રહેવાસીઓ છેલ્લા થણા સમયથી ચાલતી ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ કરનારી મ્હીપોબ સ્પાર નામની ખાનગી કંપનીના જવાબદાર અધિકારીઓ/કર્મચારીઓએ ઓનલાઈન રોકાણ કરનાર લોકોને લોભામણી સ્કીમો આપીને થોડા થોડા સમયના અંતરે રોકાણ મુજબનું વળતર પણ કંપની ગ્રાહકોના બેંક એકાઉન્ટમાં જમા કરાવતી હતી. જે બાદ કંપનીએ અચાનક જ રોકાણનું વળતર ચુકવવાનું બંધ કરી દઈ કંપનીના અધિકારીઓએ ફોન ઉપાડવાનું તેમજ વોટસએપ દ્વારા કરેલાં મેસેજના જવાબ આપવાનું પણ બંધ કરી દીધું છે.
જેથી રોકાણકારોને ખ્યાલ આવી ગયો હતો કે, તેઓની સાથે છેતરપીંડી થઈ છે. આવા જામનગર શહેરના ઓનલાઈન રોકાણ કરનારા 103 લોકો ભેગા થયા હતા, અને પોતાએ ગુમાવેલી રકમ સાથે લેખિતમાં એસપીને રજુઆત કરી છે.
જેમાં 103 લોકોએ રૂ.32,68,449 જેટલી રકમ ગુમાવ્યાનું સામે આવ્યું છે. આ ફરિયાદ અરજી પરથી પોલીસે તપાસ હાથ ધરી છે. કંપનીના જવાબદાર અધિકારીઓની તપાસ કરવામાં આવી રહી છે.
જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ની સુચનાથી જામનગરની સાઇબર ક્રાઇમ સેલની ટીમ હરકતમાં આવી છે, અને ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.