Get The App

ઝાલાવાડમાં આજે થર્ટી ફર્સ્ટ નિમિત્તે 1000 થી વધુ સુરક્ષા જવાનોનો બંદોબસ્ત

Updated: Dec 30th, 2024


Google NewsGoogle News
ઝાલાવાડમાં આજે થર્ટી ફર્સ્ટ નિમિત્તે 1000 થી વધુ સુરક્ષા જવાનોનો બંદોબસ્ત 1 - image


- ડીએસપી, ડીવાયએસપી સહિત 50 થી વધુ અધિકારીઓ ઉપરાંત

- નશાખોરોને પકડવા માટે પોલીસ ઠેર-ઠેર બ્રેથ એનેલાઈઝરની મદદથી ચેકિંગ કરશે, ડાન્સ અને ડિનર પાર્ટીઓ પર પોલીસની નજર : 13 ચેકપોસ્ટ સિવાય 28 સ્થળો પર વાહનચેકિંગ કરવામાં આવશે

સુરેન્દ્રનગર : ઝાલાવાડમાં યુવાધન નવા વર્ષ ૨૦૨૫ને આવકારવા થનગની રહ્યું છે. ત્યારે આજે ૩૧ ડિસેમ્બરની ઉજવણી અને છાંનાખુણે થતી પાર્ટીઓને ધ્યાને લઈ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પણ સર્તક અને સજ્જ બની ગઈ છે અને આજે નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરી બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

આજે ૩૧ ડિસેમ્બરની ઉજવણી થઈ રહી છે અને વર્ષ ૨૦૨૪નો અંતિમ દિવસ છે. ત્યારે ઝાલાવાડવાસીઓ અને ખાસ કરીને યુવાનો ઉજવણીનું આયોજન કરી ચુક્યા છે. જેમાં વર્ષના અંતિમ દિવસને રાતના ૧૨-૦૦ વાગ્યે વિદાય આપી નવા વર્ષ ૨૦૨૫ના પ્રથમ દિવસને આવકારવા આતુર બન્યા છે ત્યારે આજની આ ઉજવણી દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને જીલ્લાની હોટલો, ફોર્મ હાઉસ, કલબો, ખાનગી પાર્ટી પ્લોટ સહિતના સ્થળો પર ડિસ્કો પાર્ટી અથવા દારૂની મહેફીલો ન થાય તેમજ વાહનોમાં પણ દારૂની હેરાફેરી અટકે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સતર્ક બની છે. સવારથી મોડી રાત સુધી જિલ્લામાં ડીએસપી, ડીવાયએસપી, ૧૫-પીઆઈ, ૩૬-પીએસઆઈ, ૬૦૦-પોલીસ જવાનો, હોમગાર્ડ અને જીઆરડીના ૩૫૦ જવાનો સહિત અંદાજે ૧૦૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રહેશે. આ ઉપરાંત જિલ્લાની તમામ બાજુ પુરી થતી હદ પર ૧૩ ચેકપોસ્ટ રાખવામાં આવી છે આ ચેકપોસ્ટ સિવાય આજ રાતથી સવાર સુધી શહેરમાં પ્રવેશ કરતા અને બહાર નીકળતા સહિત ૨૮ જેટલા સ્થળો પર વાહનચેકીંગ કરવામાં આવશે. તેમજ બ્રેથ એનેલાઈઝર વડે શંકાસ્પદ વ્યક્તિઓનું ચેકીંગ કરવામાં આવશે અને દારૂ પીધેલી હાલતમાં કોઈ ઝડપાશે તો તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે. આ સિવાય એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો, ટીમના અધિકારીઓ અને કર્મચારીઓની પાંચ થી છ ટીમો દ્વારા જીલ્લામાં અલગ-અલગ સ્થળો પર સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવશે. જ્યારે મહિલા પોલીસની ટીમ સાદા ડ્રેસમાં અને સી-ટીમ દ્વારા પણ પેટ્રોલીંગ કરવામાં આવશે સાથે સાથે બંદોબસ્તમાં રહેલ પોલીસ અધિકારી અને કર્મચારીઓ પાસે ફરજીયાત બોર્ડીવોન કેમેરા પણ લગાવેલા હશે.


Google NewsGoogle News