જ્ઞાનકુંજ પ્રોજેકટ હેઠળ સ્કૂલોને અપાયેલા સેંકડો કોમ્પ્યુટરો દોઢ મહિનાથી ધૂળ ખાઈ રહ્યા છે
રાજ્ય સરકારના જ્ઞાનકુંજ પ્રોજેકટ હેઠળ વડોદરા શહેર અને જિલ્લાની 100 કરતા વધારે સ્કૂલોને આપવામાં આવેલા સેંકડો કોમ્પ્યુટર ઈન્સ્ટોલેશનના અભાવે છેલ્લા દોઢ મહિનાથી ધૂળ ખાઈ રહ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓના કોમ્પ્યુટર શિક્ષણ પર પણ અસર પડી રહી છે.
સરકારે ઈન્ફર્મેશન અને ટેકનોલોજી આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પહેલા પ્રાથમિક સ્કૂલોમાં અને હવે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં જ્ઞાનકુંજ પ્રોજેકટને અમલમાં મૂકયો છે.માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યાના ધારાધોરણ પ્રમાણે અત્યાધુનિક કોમ્પ્યુટર લેબોરેટરી બનાવવા માટે તેમજ સ્માર્ટ ક્લાસની સુવિધા ઉભી કરવા માટે સરકારે ઓછામાં ઓછા 15 કોમ્પ્યુટરો, તેની સાથેના સ્માર્ટ બોર્ડ અને લેપટોપ આપ્યા છે.
એક સ્કૂલના આચાર્યે કહ્યુ હતુ કે, સરકારની જાહેરાત બાદ કોમ્પ્યુટર તો સ્કૂલોને ઉનાળાના વેકેશનમાં જ મળી ગયા હતા પણ હવે તેના ઈન્સ્ટોલેશનની રાહ અમે જોઈ રહ્યા છે. શહેરની મોટાભાગની સ્કૂલોમાં ઈન્સ્ટોલેશન બાકી છે. કારણકે ઘણી બધી સ્કૂલોમાં એજન્સીને ઈન્સ્ટોલેશન કરવાનુ છે. તેના કારણે દોઢ મહિનાથી કોમ્પ્યુટર ધૂળ ખાતા પડી રહ્યા છે.
તેમણે કહ્યુ હતુ કે, જે સ્કૂલોને જગ્યાની સમસ્યા હતી તેમણે નવી લેબોરેટરી બનાવવા માટે પોતાના જૂના કોમ્પ્યુટરો કાઢી નાંખ્યા છે. હવે જ્યાં સુધી નવા કોમ્પ્યુટરો ઈન્સ્ટોલ નહીં કરવામાં આવે ત્યાં સુધી તેમને કોમ્પ્યુટરના ક્લાસ લેવામાં પણ મુશ્કેલી પડવાની છે. સરકારે કોમ્પ્યુટર લેબના ફર્નિચર માટે પણ ગ્રાંટ આપેલી છે. આમ સ્કૂલો ફર્નિચર પણ તૈયાર કરાવીને બેઠી છે.
બીજી તરફ સબંધિત એજન્સી સાથે સંકળાયેલા વ્યક્તિએ કેટલી સ્કૂલોમાં ઈન્સ્ટોલેશન બાકી છે તેની જાણકારી આપવાનો ઈનકાર કરી દીધો હતો.