Hajj Yatra 2024: ભીષણ ગરમીએ વધુ બે ગુજરાતી હાજીનો ભોગ લીધો, મૃત્યુઆંક 8 થયો
હિટસ્ટ્રોકને લીધે 25થી વધુ ગુજરાતી હાજી બિમાર, 1300થી વધુ ભારતીય હજયાત્રીઓએ જીવ ગુમાવ્યા
More 2 Gujarati Haji Death: આ વખતે સાઉદી અરેબિયામાં ગરમીના પારાએ 50 ડીગ્રીનો આંક વટાવ્યો છે. કાળઝાળ ગરમીથી હજયાત્રાએ પહોંચેલાં લાખો હાજીઓ ગરમીથી પરેશાન થયા છે તેમાં હિટસ્ટ્રોકને કારણે ઘણાં હાજીઓએ જીવ ગુમાવ્યો છે. દરમિયાન ગુજરાતના વધુ બે હાજીઓના હિટસ્ટ્રોકને લીધે મૃત્યુ થયા છે જેથી મૃત્યુઆંક 8 સુધી પહોંચ્યો છે. જયારે 25થી વધુ હાજીઓ બિમાર થયા હોવાનુ જાણવા મળ્યુ છે.
કલાઈમેટ ચેન્જની ઘણી અસર જોવા મળી છે જેના કારણે દુબઇમાં ધાર્યા કરતાં વધુ વરસાદ પડ્યો છે જયારે હજયાત્રા વખતે 50 ડીગ્રીથી વધુ ભીષણ ગરમી પડી રહી છે. આ વખતે ૫૨મીટ મેળવ્યા વિના પણ હાજીઓ મક્કા પહોંચ્યા છે પરિણામે આયોજન પડી ભાંગ્યુ છે. હાજીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે તેવી ફરિયાદો ઉઠી છે.
ગુજરાતમાંથી આ વર્ષે ગુજરાત હજ કમિટીના માધ્યમથી 14,400 હાજીઓ પવિત્ર હજયાત્રાએ પહોંચ્યા છે. આ અગાઉ વડોદરા, છોટા ઉદેપુર, અમદાવાદ, વલસાડ અને બનાસકાંઠાના કુલ મળીને છ હાજીઓ હિટસ્ટ્રોકને લીધે મોતને ભેટ્યા હતાં.
સૂત્રોના મતે, હિટસ્ટ્રોકને કારણે વધુ બે હાજીઓના મોત થયા છે. આ બંને હાજી અમદાવાદ અને જૂનાગઢના હોવાનું જાણવા મળ્યુ છે. બને હાજી 50થી વધુ વયના પુરુષ છે. આમ, અત્યાર સુધીમાં હજયાત્રાએ હિટસ્ટ્રોકથી મૃત્યુ પામનારા ગુજરાતી હાજીઓનો મૃત્યુઆંક 8 સુધી પહોંચ્યો છે.
ચાલુ વર્ષે સાઉદી અરેબિયામાં કુલ 18 લાખ હાજીઓ હજ કરવા પહોંચ્યા છે. ભિષણ ગરમીને કારણે મોટાભાગના હાજીઓ હીટસ્ટ્રોકનો ભોગ બન્યાં છે. ગુજરાતના 25થી વધુ હાજીઓ હિટસ્ટ્રોકને લીધે બિમાર પડ્યા છે જે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. આમ, કાળઝાળ ગરમીને લીધે લાખો હાજીઓ હેરાન પરેશાન થયા છે.