માંડવી દરવાજાના પિલરમાંથી ફરી એક વખત પોપડા ખર્યા
વડોદરાઃ વડોદરા શહેરના મધ્યમાં આવેલી ૪૦૦ વર્ષ જૂની અને વડોદરાની આગવી ઓળખ સમા માંડવી દરવાજાની ઈમારતના કાંગરા ખરવાનું યથાવત છે.આજે પણ દરવાજાના પિલરના ફરી પોપડા ખર્યા હતા અને આ પિલરને લીલા રંગની નેટ વડે ઢાંકી દેવામાં આવ્યો છે.
મળતી વિગતો પ્રમાણે માંડવીની ઈમારતને થઈ રહેલા નુકસાનની શરુઆત તાજેતરમાં એક પિલરમાંથી ખરી રહેલા પોપડાઓથી થઈ હતી.ઉપરાંત દરવાજાની દિવાલોમાં તિરાડો જોવા મળી હતી.જેના કારણે લોકોનું ધ્યાન તેના તરફ ખેંચાયું હતું.એ પછી હેરિટેજ ટ્રસ્ટના પ્રમુખ અને સભ્યે મહારાણી રાધિકારાજે ગાયકવાડને સાથે રાખીને ગત સપ્તાહે માંડવી દરવાજાની મુલાકાત પણ લીધી હતી.હેરિટેજ ટ્રસ્ટ દ્વારા દરવાજાનું રિસ્ટોરેશન કેવી રીતે કરવું જોઈએ તેનો એક પ્રાથમિક અહેવાલ કોર્પોરેશનને સુપરત કરાયો છે.
જોકે હજી સુધી કોર્પોરેશન દ્વારા સત્તાવાર રીતે દરવાજાના રિસ્ટોરેશનની કોઈ જાહેરાત કરવામાં આવી નથી અને બીજી તરફ માંડવીની હાલત દિવસે ને દિવસે વધારે કથળી રહી છે.આજે પણ પિલરના પોપડા ખર્યા હતા.
હેરિટેજ ટ્રસ્ટના નિષ્ણાતો પણ મત વ્યક્ત કરી ચૂકયા છે કે, માંડવીની ઈમારતને વહેલી તકે સમારકામની જરુર છે.જો આ ઈમારતને સ્થિરતા નહીં અપાય તો તેની સ્થિતિ ચોમાસાના વરસાદ અને ભેજના કારણે વધારે ખરાબ થશે.