Get The App

મોરબી દુર્ઘટનાના પીડિતો માટે રાહતના સમાચાર, પીડિતોએ કરેલી પિટિશનમાં સુપ્રીમ કોર્ટનો મોટો હુકમ

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
મોરબી દુર્ઘટનાના પીડિતો માટે રાહતના સમાચાર, પીડિતોએ કરેલી પિટિશનમાં સુપ્રીમ કોર્ટનો મોટો હુકમ 1 - image


Supreme Court Relief : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મોતના ચકચારભર્યા કેસમાં સીબીઆઇ તપાસ કરાવવા અને સમગ્ર કેસમાં આરોપીઓ સામે કલમ-302 લાગુ પાડવા દાદ માંગતી કેસના પીડિતો દ્વારા આખરે સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યલ લિવ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટે પીડિતોની દાદ ગ્રાહ્ય નહોતી રાખી તે હુકમને પડકારવામાં આવ્યો હતો. 

આ એસએલપીની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને જસ્ટિસ રાજેશ બીંદલની ખંડપીઠે અરજદાર પીડિતોને બંધારણની કલમ-32 હેઠળ નવેસરથી અરજી ફાઇલ કરવા મંજૂરી આપી હતી અને આ અરજીની સુનાવણી સ્વતંત્ર રીતે તેના ગુણદોષના આધારે નિર્ણિત કરવા હુકમ કર્યો હતો. હાઇકોર્ટના ચીફ જસ્ટિસના હુકમથી નારાજ થઈ 112 જેટલા પીડિતો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.

સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, આ અરજીની સુનાવણી વખતે હાઇકોર્ટના અગાઉના ચુકાદાનો કોઈ બાધ કે પ્રભાવ રહેશે નહીં. અરજદાર ટ્રેજેડી વિક્ટીમ ઍસોસિયેશન, મોરબી તરફથી સુપ્રીમ કોર્ટમાં કરાયેલી સ્પેશ્યલ લિવ પિટિશનમાં સિનિયર એડ્વોકેટ શદાન ફરાસરત અને એડવોકેટ ઉત્કર્ષ દવે સહિતના વકીલોએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં સીબીઆઇને તપાસ સોંપવા અને કલમ-302નો ઉમેરો કરવા દાદ માંગતી સંબંધિત પીડિત દ્વારા કરાયેલી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે, તે હુકમ અયોગ્ય અને ગેરકાયદે છે કારણ કે, પ્રસ્તુત કેસમાં પોલીસ દ્વારા તપાસમાં ગંભીર ખામી અને ચૂક દાખવાઈ છે. એટલું જ નહી, સીટની તપાસના રિપોર્ટમાં ખુદ નગરપાલિકા અને ઓરેવા કંપનીની જવાબદારી ઠરાવાઈ હોવા છતાં આ કેસમાં નગરપાલિકાના કોઈપણ અધિકારીને આરોપી તરીકે જોડવામાં આવ્યા નથી. 

આ પણ વાંચો: ક્રાઈમ થ્રીલર જેવી ઘટના : સવા કરોડનો વીમો પકવવાનું તરકટ, કર્મચારીનો હત્યારો હોટેલ માલિક ઝબ્બે

સૌથી મહત્ત્વનું કે, આ કેસમાં ઝૂલતા પુલ સંબંધી તમામ પ્રોસિડિંગ્સમાં મોરબી કલેક્ટરનું નિવેદન સુદ્ધાં લેવામાં આવ્યું નથી કે જેઓ પુલ બારોબાર ખુલ્લો મૂકી દેવાના ગુનાઇત કૃત્યમાં એટલા જ જવાબદાર ઠરે છે. તેમ છતાં તપાસના કામે તેમનું નિવેદન પણ લેવાયું નથી. આ કેસમાં 370થી વઘુ સાક્ષીઓ છે. જેમાં તપાસનીશ એજન્સીએ મૃતકોના પરિવારના એકથી વઘુ સભ્યો, પાડોશીઓ કે સગાસંબંધીને સાક્ષી તરીકે ઉમેર્યા છે અને જાણી જોઈને ટ્રાયલની પ્રક્રિયામાં વિલંબ થાય અને આરોપીઓને મદદ મળી રહે તેવા આશયથી આ બધું કરવામાં આવ્યું છે. 

બીજું કે, તપાસનીશ અધિકારીએ વારંવાર જિલ્લા કલેક્ટર પાસેથી સંબંધિત દસ્તાવેજોની માંગણી કરી હતી પરંતુ કલેક્ટરે સત્તાના મદમાં તે પૂરા પાડ્યા નથી, તે બહુ ગંભીર બાબત કહી શકાય. બીજી નોંધનીય વાત એ છે કે, ઝૂલતા પુલની ટિકિટોનું એ વખતે બ્લેક માર્કેટીંગ થતું હતું, તેથી 467 અને 468 લાગે. પરંતુ આ કલમો લાગુ પાડવામાં આવી નથી.

ઓરેવા કંપનીના સીએમડી આરોપી જયસુખ પટેલને જાણકારી-જ્ઞાન હતું કે, જર્જરિત હાલતમાં પુલ છે, તે તૂટી પડવાથી કે તેની ઉપર આંટલી ઉંચાઈએથી પડવાથી નિર્દોષ લોકોના જાન-માલની નુકસાની થઈ શકે છે તેમ છતાં બારોબાર કોઈપણ મંજૂરી કે ફિઝિબિલિટી રિપોર્ટ વિના પુલ ખુલ્લો મૂકી દેવાયો હતો. 

આ સંજોગોમાં કલમ-302 લાગુ પડે જ. જો સીબીઆઇને તપાસ સોંપાય તો નવા ખુલાસા સામે આવે તેવી શક્યતા છે. સમગ્ર કેસમાં કલેક્ટર સહિત મોટા રાજકીય માથાઓના નામો બહાર આવે તેવી પણ શક્યતા છે. આ સંજોગોમાં સમગ્ર કેસની તપાસ સીબીઆઇને સોંપાવી જોઈએ અને આરોપીઓ વિરુદ્ધ આ કેસમાં કલમ-302 લાગુ પાડવી જોઈએ. અરજદાર પીડિતોની રજૂઆત ઘ્યાનમાં લીધા બાદ સુપ્રીમ કોર્ટે ઉપર મુજબ મહત્ત્વનો હુકમ જારી કર્યો હતો. 



Google NewsGoogle News