કેરલમાં બે દિવસમાં ચોમાસું બેસશે, ગુજરાતમાં કાલથી પ્રિમોન્સૂન વરસાદ
વાવાઝોડાથી ચોમાસાને બહુ અસર નહીં, અનુકૂળ પવન-વાદળોથી : કાલથી તોફાની વરસાદ અને બાદ વાવાઝોડાના ખતરાના પગલે સૌરાષ્ટ્રના વહીવટીતંત્રો એલર્ટ, રજા ઉપર નિયંત્રણો
રાજકોટ, : અતિ પ્રચંડ વાવાઝોડુ અરબી સમુદ્રમાં ઘુમરાઈ રહ્યું છે પરંતુ, તેની ભારતના નિયમિત નૈઋત્યના ચોમાસા પર ખાસ અસર પડશે નહીં. આજે મૌસમ વિભાગના સૂત્રો અનુસાર કેરલમાં બે દિવસમાં એટલે કે શુક્રવાર સુધીમાં ચોમાસુ બેસી જશે અને આ માટે અનુકૂળ હવામાન સર્જાયું છે. તો બીજી તરફ ગુજરાતમાં તા. 9થી પ્રિમોન્સૂન તોફાની વરસાદ શરુ થવા આગાહી છે.
દક્ષિણ અરબી સમુદ્રમાં સતત પશ્ચિમી પવન ફૂંકાઈ રહ્યો છે અને આ પવનમાં ડેપ્થ પણ વધ્યું છે, ઉપરાંત દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, કેરલના કાંઠાળ વિસ્તારો અને લક્ષદ્વિપ ટાપુ વગેરે વિસ્તારમાં વાદળોની જમાવટ થઈ રહી છે જેના પગલે ચોમાસુ પૂર્વાનુમાન તા.1થી 8 જૂન વચ્ચે સામે એકાદ દિવસ મોડુ બેસી જશે.
આજે સુરેન્દ્રનગર 42.5, રાજકોટ 41.5, અમરેલી 41.2 સે.તાપમાન સાથે અસહ્ય તાપની સાથે ભેજનું ઉંચુ પ્રમાણ જળવાઈ રહ્યું છે જેના કારણે લોકો અસહ્ય બફારો અનુભવી રહ્યા છે, હવે તા.૯થી ખાસ કરીને સુરત,ભરુચ,નવસારી,ડાંગ,વલસાડ, અમરેલી, ભાવનગર,ગીર સોમનાથના કાંઠાળ જિલ્લાઓમાં તા.9થી તા. 11 સુધી ગાજવીજ અને કલાકના મહત્તમ 50 કિ.મી.સુધીના અતિ તીવ્ર પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે.
સૌરાષ્ટ્રમાં એક તરફ પ્રિમોન્સૂન વરસાદ અને તેની સાથે વાવાઝોડાનો તોળાતો ખતરો ધ્યાને લઈને વહીવટીતંત્રને એલર્ટ કરાયા છે. અમરેલી, પોરબંદર, રાજકોટ સહિત તમામ જિલ્લાઓમાં વહીવટીતંત્રે બેઠકો કરી છે અને તંત્રને એલર્ટ મોડમાં રાખીને હેડક્વાર્ટર નહીં છોડવા, નિવાર્ય રજાઓ પર નહીં જવા તાકીદ કરાઈ છે.