સાસણમાં આજથી 4 માસ માટે સિંહોનું મોનસૂન વેકેશન
જંગલ સફારીના અંતિમ દિવસે પ્રવાસીઓની ભીડ : વરસાદી સિઝનમાં સિંહ જોવા માટે દેવળીયા અને આંબરડી સફારી પાર્ક ચાલુ રહેશે
જૂનાગઢ, : આજે સાસણ જંગલ સફારીનો અંતિમ દિવસ હતો. આવતીકાલથી પ્રવાસીઓ માટે જંગલની સફારી ચાર માસ માટે બંધ થઈ જશે. સિંહોના સત્તાવાર વેકેશનનો તા.૧૬ જુનથી પ્રારંભ થાય છે. સિંહ સહિતના વન્યપ્રાણીઓનો સંવર્ધન કાળ હોવાથી અને જંગલના રસ્તાઓ વરસાદના કારણે ધોવાણ થઈ જવાથી આગામી ૧૬ ઓક્ટોબર સુધી જંગલ સફારી પ્રવાસીઓ માટે બંધ રહેશે. હવે પ્રવાસીઓને દેવળીયા સફારી પાર્ક, ધારીના આંબરડી સફારી પાર્કમાં સિંહ દર્શન થઈ શકશે.
દર વર્ષે ચોમાસાના ચાર માસ સિંહોનું વેકેશન હોય છે. સાસણમાં જંગલ સફારીનો આજે અંતિમ દિવસ હતો. આજની તમામ પરમિટ ફુલ હતી. સિંહ અને જંગલ પ્રેમીઓમાં સફારીની વેકેશન બાદ શરૂઆત થાય ત્યારે પ્રથમ ટ્રીપ અને વેકેશન પડવાનું હોય તેની અંતિમ ટ્રીપ કરવાનો ક્રેઝ હોય છે. અંતિમ ટ્રીપ માટે કેટલાય પ્રવાસીઓએ દોઢ-બે માસ પહેલા આજના દિવસની બપોર બાદની સફારી માટેનું ઓનલાઈન બુકિંગ કરાવી નાખ્યું હતું. આજે બપોરના ૪ વાગ્યે વેકેશન પૂર્વેની છેલ્લી પ્રવાસીઓની સફારી જંગલમાં ગઈ હતી અને ૭ વાગ્યા આસપાસ પ્રવાસીઓ સફારી કરી પરત સાસણ સિંહ સદન ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ જંગલની અંતિમ સફર કરી હોવાનો આનંદ વ્યક્ત કરતા હતા.
જંગલ સફારી ચોમાસાના ચાર માસ બંધ રહે છે. જ્યારે સાસણ નજીક આવેલા દેવળીયા સફારી પાર્ક, ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્ક ચોમાસાની સિઝનમાં પણ શરૂ રાખવામાં આવે છે. જ્યારે ભારે કે અતિ ભારે વરસાદ હોય ત્યારે જ આ બંને સફારી પાર્ક બંધ રાખવામાં આવે છે. આ સિવાય જંગલના વિવિધ ધર્માલયો જવા-આવવાનો માર્ગ પણ ચાલુ રાખવામાં આવે છે. મોટાભાગના ધર્મસ્થાનો તરફ જતા રસ્તાઓ કાચા હોવાથી તેનું વરસાદના કારણે ધોવાણ થઈ જાય છે. આ ઉપરાંત જંગલમાં નદી-નાળાઓમાં પાણી હોવાથી ચોમાસામાં મંદિરોમાં જવું પણ મુશ્કેલ બની જાય છે. અગાઉ માત્ર ચોમાસાની સિઝનમાં જ સિંહોનો સવનન કાળ હોવાનું માનવામાં આવતું હતું પરંતુ હવે ગમે તે સિઝનમાં મેટીંગમાં જોવા મળે છે. સિંહ સહિતના વન્યપ્રાણીઓના પ્રજનન માટે ચોમાસાની સિઝન મહત્વની માનવામાં આવે છે. વરસાદના કારણે જંગલના કાચા રસ્તાઓ ધોવાઈ જતા હોવાથી અને નદી-નાળાઓ પર મોટા પુલ કે બ્રિજ ન હોવાથી જંગલમાં જવું મુશ્કેલ હોય છે. આવા કારણોથી ચોમાસાની સિઝનમાં ચાર માસ માટે માત્ર જંગલ સફારી બંધ રાખવામાં આવે છે.