Get The App

સૌરાષ્ટ્રમાં ચોમાસુ જામ્યું : ખંભાળિયામાં 4 ઈંચ, લાલપુર 3 ઈંચ ધોધમાર વરસાદ

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
સૌરાષ્ટ્રમાં ચોમાસુ જામ્યું : ખંભાળિયામાં 4 ઈંચ,  લાલપુર 3  ઈંચ ધોધમાર વરસાદ 1 - image


રાજ્યના 104થી વધુ તાલુકાઓમાં ઝાપટાંથી 3 ઈંચ વરસાદ : ધોરાજીના વાડોદરમાં પૂરમાં તણાતા યુવાનનું મોત : પાટણવાવમાં દોઢ ઈંચ: રાજકોટ એક ઈંચ, જામનગર જિલ્લામાં અર્ધાથી સાડા ત્રણ ઈંચ : હળવદનો બ્રાહ્મણી-2 ડેમ 70 ટકા ભરાયો  : બાબરા પાસે ભાવનગર-રાજકોટ હાઈ-વે પર બ્રિજનો રસ્તો બેસી ગયો

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં શનિવારે આદ્રા નક્ષત્રમાં સૂર્યના પ્રવેશની સાથે ચોમાસાએ જમાવટ કરી છે. ગઈકાલે વ્યાપક વરસાદ વરસ્યા બાદ આજે પણ મૌસમ વિભાગ અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસુ એક્ટીવ રહ્યું છે અને હળવાથી ધોધમાર વરસાદ  વરસ્યો છે. રાજ્યના ૧૦૪ તાલુકામાં રાત્રિના ૮ સુધીમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે લાલપુર પંથકમાં ચોવીસ કલાકમાં સાડાત્રણ ઈંચ અને અગાઉ જ્યાં દસ ઈંચ વરસાદ ખાબક્યો હતો તે દેવભુમિ દ્વારકાના ખંભાળિયામાં ગત રાત્રિથી આજ સુધીમાં ધોધમાર ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ધોરાજીના પાટણવાવમાં પણ આજે ત્રણ ઈંચ વરસાદથી લોકોમાં આનંદની લહેર પ્રસરી હતી. ઉપરાંત રાજકોટ શહેર જિલ્લા અને અમરેલી જિલ્લામાં પણ વરસાદનુ જોર જારી રહ્યું હતું. 

સૌરાષ્ટ્રમાં વરસાદી માહૌલમાં ખેતીવાડીના 401 ફીડરમાં ફોલ્ટ સર્જાયો હતો જ્યારે રાજકોટ ગ્રામ્યના 25, જામનગરના 24, અમરેલીના 31, સુરેન્દ્રનગરના 20, ભાવનગરના 11, જુનાગઢના 8 સહિત 124 વિજથાંભલાને નુક્શાન પહોંચ્યું હતું અને વિજ પૂરવઠો ખોરવાઈ ગયાની ઠેરઠેરથી ફરિયાદો ઉઠી હતી. તો બીજી તરફ જ્યાં પુરતો વરસાદ વરસી ગયો છે તેવા ખંભાળિયા,જુનાગઢ, અમરેલી, રાજકોટના કેટલાક વિસ્તારોમાં વાવણીકાર્યનો ધમધમાટ શરૂ થયો છે. 

ખંભાળિયાથી અહેવાલ મૂજબ વિજળીના ગડગડાટ સાથે ગત રાત્રિના એક કલાકમાં બે ઈંચ વરસાદ સાથે સવાર સુધીમાં 3 ઈંચ અને આજે સવારે વધુ એક ઈંચ સહિત 95 મિ.મિ. એટલે કે ચાર ઈંચ વરસાદ વરસી ગયો છે. જ્યારે કલ્યાણપુર અને ભાણવડમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે ખંબાળિયામાં ગત સપ્તાહમાં આઠથી દસ ઈંચ વરસાદ ખાબક્યો હતો અને આજે સાંજ સુધીમાં આ તાલુકામાં મૌસમનો વરસાદ 13.50 ઈંચ વરસાદ થયો છે. ધરમપુર,હર્ષદપુર, કેશોદ,સિંહણ,હરીપર,શક્તિનગર,ભાડથર,શેરડી, વિસોત્રી, કુવાડીયા, હંસથળ,વિરમદળ,રામનગર વગેરે ગામોમાં ૨થી ૪ ઈંચ વરસાદના અહેવાલ છે જેના પગલે ખંભાળિયા,ભાણવડના પચાસ ટકાથી વધુ વિસ્તારોમાં વાવણી થઈ ગઈ છે,અન્યત્ર શરૂ થઈ રહી છે. 

રાજકોટ શહેરમાં ગઈકાલે એક ઈંચ બાદ આજે સવારે પણ આશરે પોણો ઈંચ વરસાદ વરસી ગયો હતો અને આટલા વરસાદે શહેરમાં અનેક માર્ગો પર પાણી ભરાયા હતા. 

ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે સખત ઉકળાટ બાદ આજે સવારે મૌસમનો પ્રથમ વરસાદ, એક કલાકમાં ધોધમાર દોઢ ઈંચથી લોકોમાં આનંદ વ્યાપ્યો હતો. ધોરાજીના વાડોદર ગામે ખેતમજુરી કરતા ભરતભાઈ પરબતભાઈ (ઉ.૪૦) ભૂારે વરસાદમાં પોતાના ખેતરમાં કેવો વરસાદ છે તે જોવા એક્ટીવા લઈને વાડીએ જતા હતા ત્યારે વોકળામાં તણાઈ જતા તેનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. 

રાજકોટ જિલ્લામાં આ ઉપરાંત ઉપલેટા અને આજુબાજુના ગામોમાં અર્ધાથ એક ઈંચ વરસાદ વરસી જતા લોકોને ગરમીમાં રાહત મળી હતી. લોકો વરસાદમાં ભીંજાવા રોડ પર નીકળ્યા હતા અને વરસાદ વખતે વિજપૂરવઠો બંધ કરી દેવાયો હતો.લોધિકા  તાલુકામાં આશરે અર્ધો ઈંચ વરસાદ વરસ્યો હતો.ઉપરાંત ગોંડલ અને કોટડાસાંગાણી સહિત વિસ્તારોમાં પણ ઝાપટાં વરસ્યા હતા.

જામનગરમાં ગઈકાલે સાંજે ગાજવીજ સાથે અર્ધો ઈંચ બાદ આજે પણ પોણો ઈંચ વરસાદ વરસી ગયો હતો. જામનગરના ગોકુલનગરમાં પ્રથમવરસાદે જ અનેક શેરીઓમાં દોઢ ફૂટ જેટલા પાણી ભરાયા હતા. જિલ્લામાં 

જામનગર જિલ્લાના લાલપુરમાં સત્તાવાર રીતે આજે રાજ્યનો સૌથી વધુ વરસાદ અઢી ઈંચ (૬૫ મિ.મિ.) નોંધાયો છે. લાલપુરમાં ગઈકાલે એક ઈંચ બાદ આજે અઢી ઈંચ સહિત સાડાત્રણ ઈંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો અને લાલપુરનું બસ સ્ટેશન તળાવમાં ફેરવાઈ ગયું હતું. નદીનાળામાં ધસમસતા પાણી વહેતા થયા હતા. ગઈકાલે કાલાવડમાં બે ઈંચ, પરંતુ, કાલાવડ તાલુકાના મોટાવડાળામાં ૩ ઈંચ, જામજોધપુરમાં એક ઈંચ, ઉપરાંત આજે સવારે વધુ ૯ મિ.મિ.વરસાદ વરસ્યો હતો. જોડીયામાં ગત સાંજથી આજ સાંજ સુધીમાં અર્ધો ઈંચ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં શેઠવડાળા, જામવાડી,નવાગામમાં અને મોટા પાંચદેવડામાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. 

અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહૌલ જારી રહ્યો હતો. બાબરા પાસે ભાવનગર-રાજકોટ સ્ટેટ હાઈવે પર કાળુભાર નદીના બ્રિજ ઉપર રસ્તો નીચે બેસી જતા (ભૂવો પડતા) વાહનચાલકોમાં ભયની લાગણી પ્રસરી હતી. જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર, રાજુલા, લાઠી, સહિત તાલુકાના ગ્રામ્ય પંથકમાં હળવા ભારે ઝાપટાં વરસ્યા હતા. 

હળવદના સુસવાવ ગામ પાસે શક્તિસાગર (બ્રાહ્મણી-2) ડડેમમાં  ઉપરવાસના વરસાદથી આવક વધતા ડેમ 70 ટકા ભરાઈ ગયો હોય નીચાણવાળા ગામોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. સૌરાષ્ટ્રના અન્ય ડેમોમાં પાણીની આવક શરૂ થઈ છે. રાજકોટ સહિત અનેક સ્થળોએ ચેકડેમો છલકાયા છે. 

સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતના (૧) સુરતના ઓલપાડમાં ૨ ઈંચ અને ઉમરપાડામાં 1 ઈંચ (2) તાપીના વાલોડમાં બે ઈંચ, વ્યારામાં દોઢ ઈંચ (4) કચ્છના નખત્રાણામાં દોઢ ઈંચ (4) ડાંગના વઘઈમાં દોઢ ઈંચ અને આહવામાં એક ઈંચ (5) વડોદરાના કરજણ, ડભોઈ, વાઘોડિયા, સિનોર તાલુકાઓમાં એકથી દોઢ ઈંચ (6 ) ભાવનગર પંથકના ઉમરાળા,ગઢડામાં એક ઈંચ સુધી વરસાદ આજે સવારે 6થી રાત્રિના 8 સુધીમાં નોધાયો છે. રાજ્યમાં આવતીકાલે પણ વ્યાપક હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. 


Google NewsGoogle News