વ્યાજખોરની જાેહુકમીઃ 12 લાખ સામે 7 લાખ ચૂકવ્યા છતાં 15 લાખ બાકીઃમકાન લખી આપવા ધમકી
વડોદરાઃ શહેર પોલીસની વ્યાજખોરો સામે ઝુંબેશ જારી છે ત્યારે વ્યાજખોરની જોહુકમીનો ભોગ બનેલા રણોલીના એક દુકાનદારને મકાન લખી આપવા માટે ધમકીઓ મળતાં તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
છાણી ગુરૃદ્વારા સામે રૃદ્રાક્ષ હેવનમાં રહેતા અને રણોલીમાં ઓટોપાર્ટસની દુકાન ધરાવતા મહેશભાઇ સાયાણીએ પોલીસને કહ્યું છે કે,નિઝામપુરામાં ચિરાણ ટ્રેડિંગ નામની મોબાઇલ શોપ ધરાવી વ્યાજે નાણાં ધીરતા દેવેન મહેતા(રહે.નિઝામપુરા) સાથે મારે પરિચય થતાં હું ધંધા માટે અવારનવાર વ્યાજે રૃપિયા લેતો હતો.
મેં દેવેન મહેતા પાસે કુલ રૃ.૧૨ લાખ મહિને ૩ ટકાના વ્યાજે લીધા હતા અને તેની સામે રૃ.૭.૨૬ લાખ ચૂકવ્યા હતા.પરંતુ તેમ છતાં તેઓ મારી પાસે રૃ.૧૫ લાખની ઊઘરાણી કરી ધમકી આપતા હતા.તેમની દુકાનનો સુદર્શન નામનો માણસ મારી પાસે અઠવાડિયામાં ત્રણ વાર આવતો હતો અને તેના મોબાઇલથી દેવેનભાઇ સાથે વાત કરાવતો હતો.
દેવેન મહેતાએ મારી પાસે ચાર ચેકો લીધા હતા અને ત્યારપછી પણ રૃ.૧૫લાખનો ચેક લખાવી મહિને બે ટકા લેખે હપ્તાની માંગણી કરતા હતા.મારી પાસે પ્રોમિસરી નોટ પણ લખાવી હતી અને મકાન લખી આપવા માટે ધમકી આપતા હતા.છાણી પોલીસે આ ફરિયાદને આધારે ગુનો નોંધ્યો છે.