નેવીના એકાઉન્ટ વિભાગમાં નોકરી અપાવવાનાં બહાને યુવક-યુવતીઓ પાસેથી રૂપિયા પડાવાયા

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
નેવીના એકાઉન્ટ વિભાગમાં નોકરી અપાવવાનાં બહાને યુવક-યુવતીઓ પાસેથી રૂપિયા પડાવાયા 1 - image


પોરબંદરમાં શિક્ષિત બેરોજગારો સાથે વધુ એક છેતરપિંડી : નરસંગ ટેકરી ખાતે રહેતા શખ્સ સામે મહિલાએ નોંધાવી ફરિયાદઃ પહેલાં ફોર્મ માટે, પછી તાલીમ માટે અને ત્યારબાદ દાગીના ગીરવે મુકાવીને કાયમી નોકરી માટે રૂપિયા અપાયા હતા 

પોરબંદર,  :  પોરબંદરમાં વર્ષોેથી બેરોજગારીનું પ્રમાણ વધુ જોવા મળે છે અને તેથી ચિટરો તેનો લાભ લઈને સુશિક્ષિત બેરોજગાર યુવક યુવતીઓને બોટલમાં ઉતારે છે ત્યારે આવો એક વધુ કિસ્સો પોલીસ ચોપડે ચડયો છે, જેમાં નેવીના એકાઉન્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને યુવક-યુવતીઓ સાથે છેતરપિંડી થતા પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.

પોરબંદરના નવા કુંભારવાડા શેરી નં-3માં હનુમાન મંદિર પાસે રહેતા નીતાબેન મનસુખભાઈ મણિયારી નામના 43 વર્ષના મહિલાએ એવી પોલીસ ફરીયાદ નોંધાવી છે કે, તેમની પુત્રીને તેની બહેનપણી અલ્પાએ  એવી વાત કરી હતી કે,નેવીની કેન્ટીનમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની નોકરીના ફોર્મ ભરાય છે, જયમીનભાઇ શિંગડીયા નામનો નરસંગટેકરીમાં રહેતો ઈસમ 2500 રૂપિયા ફોર્મ દીઠ લે છે અને તેણે પણ ફોર્મ ભર્યું છે. આથી નીતાબેને તેના પતિ મનસુખભાઈને આ વાત કરી હતી. આથી તેમની પુત્રીઓ અને પરિવારના અન્ય સભ્યોના ફોર્મ ભરવા માટે વાત કરતા જયમીને એવું કહ્યું હતું કે, હું તમારા ઘરે રૂબરૂ આવીને ફોર્મ ભરી જઈશ.

જયમીન શિંગડીયા નીતાબેનના ઘરે આવ્યો હતો અને તેણે તે ઇન્ડિયન નેવીના એકાઉન્ટ વિભાગમાં નોકરી કરે છે, તેમ કહીને નેવીનું આઈકાર્ડ પણ બતાવ્યું હતું. નીતાબેન જયમીનની વાતોમાં આવી ગયા હતા અને દીકરી પાયલને નોકરીની ખાસ જરૂર હોવાથી ફોર્મ ભરીને 2500 રોકડા જયમીને લીધા હતા. ત્યારબાદ થોડા દિવસો પછી ફરી જયમીન નીતાબેનના ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે, નેવીમાં હજુ જગ્યાઓ ખાલી છે બીજા કોઈના ફોર્મ ભરવા હોય તો કેજો. આથી ફરીયાદી મહિલાએ  તેમની બીજી બે દીકરીઓ પ્રિયા અને ભુમિના ફોર્મ ભર્યા હતા. બાદમાં અન્ય બે ફોર્મ પણ ભર્યા હતા. ત્યારબાદ દસ દિવસ પછી જયમીન ફરીથી નીતાબેનના ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે, તમે ભરેલ પાંચે ફોર્મવાળા ઉમેદવારોને તાલીમ આપવાની છે, જેના તમારે 20,000 રૂપિયા આપવા પડશે. તેથી સોનાનો ચેન ગીરવે મુકીને  લોન લીધી હતી અને  રકમ આપી હતી. બાદમાં કાયમી નોકરીની લાલચ આપી વધુ રકમ માંગી હતી. તેમણે કુલ કટકે કટકે તેને 60,000 રૂપિયા આપ્યા હતા.

બાદમાં તપાસ કરતા ખબર પડી હતી કે નેવીમાં આવી કોઈ ભરતી ચાલુ નથી અને જયમીન નામનો કોઈ માણસ નેવીમાં નોકરી કરતો નથી. અન્ય 30થી 35 જેટલા યુવક-યુવતીઓ સાથે પણ આ શખ્સે ખોટા ફોર્મ ભરાવીને રૂપિયા પડાવ્યા હોવાની ખબર પડી હતી તેથી તેમની સાથે થયેલી ઠગાઇ અંગે અંતે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતા આગળની તપાસ કીતમંદિર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.


Google NewsGoogle News