મમ્મી, કાકાએ બેડરૂમમાં મારાં શરીર સાથે અડપલાં કર્યા હતાં
મારી દિકી, મારી દિકી તેમ કહીને કાકા-ભત્રીજીના સંબંધને લાંછન લગાવનાર આરોપીની ધરપકડ : આરોપી 1 સંતાનનો પિતા
રાજકોટ, : શહેરમાં હવે બાળાઓ અને તરૂણીઓ સાથે જાતિય સતામણીનાં કિસ્સા સામાન્ય બની ચૂક્યા છે. વાલીઓ માટે ચિંતાજનક આ પ્રકારનાં કિસ્સામાં વધુ એકનો ઉમેરો થયો છે. ધો. 8માં અભ્યાસ કરતી 14 વર્ષની તરૂણીને લગ્ન પ્રસંગમાંથી ઉઠાવી જઇ તેનાં શરીર સાથે તેનાં જ કૌટુંબીક કાકાએ અડપલાં કર્યાનો ચોંકાવનારો બનાવ ગાંધીગ્રામ પોલીસમાં જાહેર થયો છે. જેનાં આધારે પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ૩૯ વર્ષનાં અને એક સંતાનનાં પિતા એવા આરોપીની ધરપકડ કરી હતી.
ભોગ બનનાર તરૂણીની માતાએ પોલીસને જણાવ્યું કે, તેને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. પુત્રીની ઉંમર 14 વર્ષ છે અને તે ધો. 8માં અભ્યાસ કરે છે. ગઇ તા. 14ના રોજ તેની તબિયત સારી ન હતી. જેથી ભાઈને ત્યાં પુત્ર સાથે રોકાવા ગઇ હતી. જ્યારે તેનાં પતિ મુંબઇ ગયા હતાં.
પાછળથી તેની પુત્રી કૌટુંબીક નણંદનાં પુત્રનાં લગ્ન પ્રસંગનું જ્યાં રિસેપ્શન યોજાયું હતું તે પાર્ટી પ્લોટમાં ગઇ હતી. ખુદ તેનો ભાઈ તેની પુત્રીને રિસેપ્શનમાં મૂકી આવ્યો હતો. રાત્રે દસેક વાગ્યે તેનાં કૌટુંબીક દિયરે તેને કોલ કરી તેની પુત્રીને પોતાનાં ઘરે લઇ જઇ રહ્યાનું કહ્યું હતું. પરંતુ તેણે ના પાડી હતી. પતિને વાત કરતાં તેણે પણ ના પાડી હતી.
આમ છતાં તેનો કૌટુંબીક દિયર તેની પુત્રીને પોતાનાં ઘરે લઇ ગયો હતો. બીજા દિવસે તેની પુત્રીને તેનાં ભાઇનાં ઘરે બહાર જ ઉતારી જતો રહ્યો હતો. તેની પુત્રી તેની પાસે આવતાં જ તેને બથ ભરી જોરથી રડવા લાગી હતી.
કારણ પૂછતાં કહ્યું કે, ગઇકાલે રાત્રે કાકા મને તેનાં ઘરે લઇ ગયા હતાં.બાદમાં હું તેનાં બેડ પર સુવા જતાં કાકા મારી બાજુમાં આવીને સૂઇ ગયા હતા અને મારી દિકી, મારી દિકી કહીને મારા શરીર સાથે અડપલાં શરૂ કરી દીધા હતા. સાથોસાથ મારા અંગોને સ્પર્શ કરવા લાગ્યા હતાં. મેં ના પાડતાં મારા બંને હાથ પકડી, મારૂં ટી-શર્ટ ઉંચું કરવા લાગ્યા હતાં. પરંતુ મેં ટી-શર્ટ ઉંચુ કરવા દીધું ન હતું.
ત્યારબાદ પૂછ્યું કે, તારે પૈસાની જરૂર પડે છે, તો હું આપું, જવાબમાં મેં કહ્યું કે, મારા મમ્મી-પપ્પા મને પૈસા આપે છે. તે સાથે મારી ઉપર ચડી ગયા હતાં અને મારા બંને હાથ પકડી રાખી, કીસની માંગણી કરી હતી પરંતુ મેં ના પાડી હતી. આમ છતાં મારા ગાલ પર કિસ કરી હતી. સાથોસાથ મને કહ્યું કે ચાલ આપણે ફોનમાં અશ્લિલ વીડિયો જોઇએ. પરંતુ મેં ના પાડી હતી. આખરે મેં આંખો બંધ કરી દેતા થોડી વારે મારા પર ટોર્ચ કરી મારી આંખો પર પ્રકાશ કરી હું સૂઇ ગઇ છું કે નહીં તેની ખાતરી કરતા હતા.
પરંતુ હું બીકનાં લીધે સૂતેલ નહીં અને તેઓ પણ રાતનાં સૂતા ન હતાં. વહેલી સવારે પાંચેક વાગ્યે નાહીને બહાર આવીને મને કહ્યું કે તું આ વાત કોઇને કહેતી નહીં, મારી દિકરી બહુ ડાહી. ત્યારબાદ તેને મામાનાં ઘરે મૂકી જતાં રહ્યા હતાં.
ભોગ બનનાર તરૂણીની માતાએ આગળ પોલીસને જણાવ્યું કે આ વાત સાંભળી તે ચોંકી ગઇ હતી. પરંતુ આરોપી તેનો દિયર હોવાથી સમાજમાં બદનામીનાં ડરથી કોઇને આ વાત કરી ન હતી. પતિ મુંબઇથી પરત આવતા તેને નણદોયા, નણંદ વગેરેને વાત કરી હતી. આખરે તેનાં પરિવારનો સભ્યો આરોપીને ઘરે ગયા હતા અને આરોપીનાં પરિવારનાં સભ્યોને તેનાં કરતૂતો જણાવતાં આરોપીએ મારી ભૂલ થઇ ગઇ, હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય તેવી વાત કરી હતી. જેથી પરત આવતાં રહ્યા હતાં. થોડા દિવસો બાદ જૂનાગઢ સાસરીયા પક્ષને જાણ કરતાં તેમણે ફરિયાદ કરવાનું કહેતા તેમ કર્યું હતું.