Get The App

સારું થાય તો વડાપ્રધાન મોદી અને અમિત શાહને જશ, ખોટું થાય તો મંત્રીઓને જવાબદાર ઠેરવી દેવાના!

ગુજરાત સરકારનું કોર્પોરેટ સ્ટાઈલમાં એસેસમેન્ટ

Updated: Apr 14th, 2025

GS TEAM


Google News
Google News
સારું થાય તો વડાપ્રધાન મોદી અને અમિત શાહને જશ, ખોટું થાય તો મંત્રીઓને જવાબદાર ઠેરવી દેવાના! 1 - image


Gujarat Government Assessment: ગુજરાત સરકારના મૃદુભાષી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આમ તો કાર્યરત છે પણ રાજ્યની દરેક નીતિ, મંત્રીની દરેક રીતિ માટે હાઇકમાન્ડ બેલડીની મંજૂરી જરૂરી છે. પટાવાળાથી લઈને સર્વોચ્ચ અધિકારીની બદલી કે બઢતી માટે પણ પીએમઓની લીલી ઝંડી ફરજિયાત છે. ગુજરાત રાજ્ય એટલી હદે આકાઓ પર નિર્ભર છે કે, રાજ્યના નિર્ણયો અને જાહેરાતો મંજૂર કરાવવા જ પડે અને પ્રેસ નોટમાં તેની નોંધ પણ લેવી જ પડે. કહેવાય તો ગુજરાતની સરકાર, પરંતુ કારભાર દિલ્હીથી જ ચાલે છે. હવે એવી વાત મળી છે કે, આ સ્થિતિમાં ભૂપેન્દ્ર પટેલ સરકારની ત્રણ વર્ષની કામગીરીનું કૉર્પોરેટ સ્ટાઇલમાં પર્ફોર્મન્સ ઇવેલ્યુએશન થવાનું છે. 

હવે બધા જાણે જ છે કે, ગુજરાતના મંત્રીઓ રબર સ્ટેમ્પ છે, સારી કામગીરી માટે વડાપ્રધાન મોદીને અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને જશ આપવાનો, જ્યારે કામગીરી નબળી પડે ત્યારે સ્થાનિક નેતાઓને જવાબદાર ઠેરવી દેવાના. હાલ ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓને લાલ જાજમ છે. કોઈ પણ કામ, કોઈ પણ વ્યક્તિ માટે, નિયમાનુસાર હોય તો પણ લેતી-દેતી વગર શક્ય જ નથી. કોઈ પણ અધિકારીની નિમણૂક, બદલી કે બઢતી પર મંત્રી કે ચૂંટાયેલા પ્રતિનિધિનો કોઈ અંકુશ નથી અને એટલે જ તેઓ કોઈને ગાંઠતા નથી. એક વર્ષથી વાત ચાલે છે કે, મંત્રીમંડળનું વિસ્તરણ થશે, પાટલીબદલું પણ લાળ ટપકાવી રહ્યા છે કે ક્યારે એમને શિરપાવ મળે. જો કે, ભાજપ માટે અત્યારે જનપ્રતિનિધિના બદલે ધનપ્રતિનિધિ વધારે મહત્ત્વના છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ભાજપના રાજમાં મનરેગાની અવદશા, ગરીબોને 100 દિવસની રોજગારી પણ ન અપાઇ

ગુજરાત સરકારનું સૂત્રઃ ચંદા દો ઔર ધંધા-કોન્ટ્રાક્ટ લે જાઓ 

કોઈ પણ રાજ્યમાં સત્તાધારી પાર્ટીને સંગઠન ચલાવવા ફંડની જરૂર હોય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી એવું જોવામાં આવ્યું છે કે જે ઉદ્યોગ જૂથોએ પાર્ટીમાં ફંડ આપ્યું છે તેમને કોઈને કોઈ જગ્યાએ કોન્ટ્રાક્ટ અપાયો છે. એટલે કે સરકારમાં ‘ચંદા દો, ધંધા લો...’નું સૂત્ર ચાલી રહ્યું છે. તાજેતરમાં એડીઆર દ્વારા રજૂ થયેલા રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ગુજરાતમાં રાજકીય પક્ષોને એક વર્ષમાં રૂ. 400 કરોડથી વધુ દાન અપાયું છે, જેમાં 99 ટકા હિસ્સો ભાજપને મળ્યો છે, તો કોંગ્રેસને માત્ર રૂ. 2.45 કરોડનું દાન મળ્યું છે. તેની સામે અમદાવાદમાં કેટલાક ઉદ્યોગ જૂથોએ રાજકીય પક્ષોને દાન આપીને મ્યુનિસિપલ કૉર્પોરેશનના કોન્ટ્રાક્ટ હસ્તગત કરી લીધા છે. એવી જ રીતે, સુરતમાં ભાજપને માત્ર રૂ. આઠ કરોડનું દાન આપનારી એક કંપનીને રૂ. 4200 કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો છે અને રાજકોટમાં પાંચ કંપનીએ રૂ. 10 કરોડના દાન સામે રૂ. 300 કરોડના પ્રોજેક્ટ આપી દેવાયા છે.



 


Tags :