ચૂંટણી આવતા મોદી-શાહ હવે ગુજરાતમાં આક્રમક
- અમિત શાહ કલોલ ખાતે કામદાર રાજ્ય વીમા યોજનાની અદ્યતન 150 બેડની હોસ્પિટલનું ખાત મુહૂર્ત કરાવશે
અમદાવાદ, તા. 18 સપ્ટેમ્બર 2022, રવિવાર
આગામી વિધાનસભાની ચૂંટણીના પગરે રાજ્યનો રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સક્રિયતા સામે ભાજપ પણ આક્રમક બન્યું છે. ત્યારે નવરાત્રી દરમિયાન જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવવાના છે.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 દિવસના ઝંઝાવાતી ગુજરાત પ્રવાસ દરમિયાન 12થી પણ વધારે જનસભા સંબોધવાના છે. તેઓ આગામી તા. 29 અને 30 સપ્ટેમ્બરના રોજ તથા ત્યાર બાદ તા. 9થી 11 ઓક્ટોબર દરમિયાન એમ કુલ 5 દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે.
સૌથી પહેલા 29 અને 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીની મુલાકાત લેશે. તે સિવાય 9મી ઓક્ટોબરના રોજ તેઓ મોડાસા જાય તેવી શક્યતા છે. જ્યારે 10 ઓક્ટોબરના રોજ તેઓ જામનગર અને ભરૂચ તથા 11 ઓક્ટોબરના રોજ રાજકોટના જામ કંડોરણાના પ્રવાસે આવવાના છે. પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ રાજ્ય માટે વિકાસના અનેક કાર્યોની જાહેરાત કરશે.
અમિત શાહના ગુજરાત પ્રવાસનું આયોજન
કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહનો વધુ એક ગુજરાત પ્રવાસ પણ નિર્ધારિત થઈ ચુક્યો છે. અમિત શાહ આગામી 27મી સપ્ટેમ્બરે, બીજા નોરતે ગુજરાત આવવાના છે. તેઓ ગાંધીનગરના કલોલ ખાતે કામદાર રાજ્ય વીમા યોજનાની અદ્યતન 150 બેડની હોસ્પિટલનું ખાત મુહૂર્ત કરાવશે.
આ બિલ્ડિંગને છેલ્લા ઘણાં સમયથી ખાલી કરાવવામાં આવ્યું હતું અને અમિત શાહના કાર્યક્રમને પગલે તાબડતોબ કામગીરી શરૂ કરવામાં આવી છે.
તે સિવાય તેઓ પોતાના વતન માણસાની મુલાકાત લેશે અને નવરાત્રી દરમિયાન સહપરિવાર આરતીમાં હાજરી આપશે.