સ્મીમેર હોસ્પિટલમાં આધુનિક MRI અને C.T સ્કેન મશીન શરૃ થશે
- દર્દીઓના યોગ્ય નિદાનની સાથે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસમાં પણ આ મશીન ઉપયોગી બનશે
સુરત :
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આગામી દિવસોમાં આધુનિક એમ.આર.આઈ અને સી.ટી સ્કેન મશીન અંગેનું સેન્ટર ૨૨ કરોડથી વધુ ખર્ચે શરૃ થશે.
પ્રાપ્ત વિગત મુજબ પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ વિવિધ તકલીફોની સારવાર માટે આવે છે. જેમાં મગજમાં, કમરમાં દુખાવો, હાથ-પગ સહિતના ભાગે તકલીફ હોય તો એમ.આર.આઈ કરાવ્યા બાદ સચોટ નિદાન થઈ શકે છે. જ્યારે માંથા ઈજા, પેટમાં, છાતીમાં, ગળામાં સહિતનો ભાગોમાં તકલીફની સચોટ નિદાન માટે ડોક્ટર દ્વારા સી.ટી સ્કેન કરાવતા હોય છે. આ દર્દીઓને સ્મીમેર હોસ્પિટલમાં યોગ્ય અને સચોટ નિદાન થાય અને જરૃરી સારવાર મળી તે માટે એમ.આર.આઈ અને સી.ટી સ્કેનનું સેન્ટરમાં ઇન્સ્ટોલ થઈ ગયું છે અને આ મશીન શરૃ કરવા માટેની અન્ય જરૃરી કામગીરી હાલમાં ચાલી રહી છે. જોકે હાલમાં અહીં પ્રતિદિન ૧૫ થી ૨૦ એમ.આર.આઇ અને ૧૫ થી ૨૦ દર્દીઓને સી.ટી સ્કેન કરવામાં આવતા હશે. એવું સિનિયર ડોક્ટરે કહ્યું હતું. જેથી આગામી નજીકના દિવસોમાં આ સેન્ટર શરૃ કરવામાં આવશે. એવું સ્મીમેર હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. જીતેન્દ્ર દર્શને જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે કોટક બેંક દ્વારા સી.એસ.આર હેઠળ રૃપિયા ૧૮ કરોડના આ બંને આધુનિક મશીનનું દાન કરવામાં આવ્યા છે. જ્યારે આ સેન્ટરમાં અન્ય જરૃરી કામગીરીના અંદાજીત ચાર કરોડનો ખર્ચ થશે. મહત્વની વાતએ છે કે, આ બંને મશીન શરૃ થયા બાદ સ્મીમેર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસ સહિતમાં પણ ઉપયોગી બનશે.