ઉતરાયણ પર્વે 12 થી 15 કિ.મી.ની ઝડપે માફકસરનો પવન ફૂંકાશે
- ચરોતરના પતંગરસિયાઓમાં આનંદો
- મકરસંક્રાંતિ પહેલા આણંદની બજારોમાં પતંગ, દોરીની ખરીદીમાં લોકો ઉમટયાં
આણંદ જિલ્લામાં બે દિવસ પહેલા પારો ૧૦ ડિગ્રીથી નીચે ગગડી ગયો હતો. છેલ્લા બે દિવસથી આંશિક વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું પ્રમાણ ઘટયું છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યા મુજબ, શનિવારે જિલ્લાનું લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૦.૨ ડિ.સે. નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૯૩ ટકા અને પવનની ઝડપ ૨ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.
આગામી બે દિવસ જિલ્લામાં અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેશે અને વાદળો છવાતા ઠંડીનું પ્રમાણ ઘટશે. ઉતરાયણના દિવસે પવનની ગતિ સરેરાશ ૧૨થી ૧૫ કિ.મી.ની રહેશે. પરિણામે પતંગ ચગાવવા વધારે મહેનત નહીં કરવી પડે. માફકસરની પવનની ગતિના કારણે મકરસંક્રાંતિના દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જશે. ઉતરાયણ પર્વથી ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.
ત્યારે મકરસંક્રાંતિ પહેલા શનિવાર અને રવિવાર રજાના દિવસો હોવાથી જિલ્લાની બજારોમાં સવારથી જ પતંગ અને દોરીની દુકાનોમાં પતંગરસિયાઓની ભીડ જામી હતી. પતંગ અને ફીરકીની સાથે સાથે વિવિધ પ્રકારના પીપૂડા, ચશ્મા સહિત ખાદ્ય ચીજ-વસ્તુઓની પણ ભારે માંગ જોવા મળી હતી. આણંદ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ગ્રાહકો ખરીદી અર્થે ઉમટી પડયા હતા.