આણંદની મોડલની લાશ મળવાનો કેસ: રિદ્ધિનો મોબાઈલ હજુ સુધી નથી મળ્યો, પતિની થશે પૂછપરછ
Image : Instagram |
Anand News : રાજ્યમાં આણંદની બોરિયાવી નગરપાલિકાના ભાજપના કારોબારી ચેરમેન રૂષીન પટેલની પત્ની અને મોડલિંગ- ઈનફ્લ્યુએન્સર તરીકે કામ કરતી 26 વર્ષીય રિદ્ધિ સુથારે ગત ગુરૂવારની મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર લાંભવેલ કેનાલમાં પડી આપઘાત કરી લીધો હતો. પરિવારજનોને જાણ થતાં શોધખોળ બાદ યુવતીનો મૃતદેહ કણજરીના બેચરપુરા પાસેથી મળ્યો હતો. સમગ્ર મામલે વડતાલ પોલીસે રિદ્ધિના મોત મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. મૃતક રિદ્ધિના મોબાઈલના કોલ ડિટેઇલ્સની તપાસ થઈ ચાલી રહી છે, ત્યારે રિદ્ધિનો મોબાઈલ હજુ સુધી ન મળી રહ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે પિતા અને પતિની સામાન્ય પૂછપરછ કરી છે. જોકે, ધાર્મિક વિધિ બાદ પરિવારની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવશે તેમ સામે આવ્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
ગત ગુરૂવારની મોડી રાતે રિદ્ધિએ કોઈ અગમ્ય કારણોસર લાંભવેલ નહેરમાં કુદી આપઘાત કરી લીધો હતો. આ અંગે પરિવારજનોને જાણ થતાં તેઓ ચોંકી ગયાં હતાં અને શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન કણજરી- બેજરપુરા કેનાલ પાસેથી રિદ્ધિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતાં વડતાલ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. સમગ્ર ઘટનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષકને સોંપવામાં આવી છે.
આણંદ શહેરના 100 ફૂટ રોડ ઉપર આવેલા અક્ષર બંગ્લોઝમાં રહેતા હિરેનભાઈ નંદલાલ સુથારની પુત્રી રિદ્ધિએ ચાર વર્ષ પહેલાં બોરિયાવીમાં રહેતા રૂષીન અશોકભાઈ પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નજીવનમાં દોઢેક વર્ષ પહેલા તેમને પુત્રનો જન્મ પણ થયો હતો. ઉપરાંત તાજેતરમાં બોરિયાવી પાલિકાની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ પરથી રૂષીન પટેલનો વિજય થયો હતો અને તેને બોરિયાવી પાલિકાના કારોબારી ચેરમેન પણ બનાવવામાં આવ્યો હતો. આમ શાંતિથી ચાલતા આ દાંપત્ય જીવનમાં ગત ગુરૂવારની રોજ અચાનક જ વળાંક આવ્યો હતો.