હીરાસર એરપોર્ટના ઉતાવળા લોકાર્પણ માટે મોબાઈલ માઉન્ટેડ ટાવર મગાવાશે
ATC ટાવર ઊભો થતાં ચાર મહિના લાગી જાય તેમ હોવાથી આજે મુખ્યમંત્રી સાઈટ પર પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરશે, સંમતિથી જમીન સંપાદનના નિર્ણય પછી પણ થતી ઢીલ મુદ્દે તેમને રજૂઆત કરાશે
રાજકોટ, : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં વિકાસના દેખાડા માટે ગમે તેમ કરીને હીરાસર ઈન્ટર નેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરી નાખવાની સત્તાધીશોની ઉતાવળ હવે સ્વયં સ્પષ્ટ બની રહી છે. ઓગષ્ટમાં લોકાર્પણ પૂરતું કામ પણ નહીં થઈ શકે એવા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અભિપ્રાય પછી હવે સપ્ટેમ્બરને નજર સમક્ષ રાખીને પ્લાનિંગ થઈ રહ્યું છે અને સમીક્ષા કરવા મુખ્યમંત્રી કાલે આવી રહ્યા છે. લોકાર્પણ પૂરતું ગાડું ગબડાવવા જે રીતે અમદાવાદ- રાજકોટ હાઈ- વેથી એરપોર્ટ સુધીના એપ્રોચ રોડ માટે વચલો માર્ગ કાઢવામાં આવ્યો છે એ જ રીતે એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવર પણ મોબાઈલ- માઉન્ટેડ મગાવી લેવા નિર્ણય લેવાયો છે.
શુક્રવારે સુરેન્દ્રનગર આવી રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર
પટેલ ત્યાંના કાર્યક્રમ બાદ હીરાસર પહોંચીને એરપોર્ટ પ્રોજેક્ટની સમીક્ષા કરશે.
રાજકોટ અને સુરેન્દ્રનગરના વહીવટી તંત્ર ઉપરાંત જમીન સંપાદન સંભાળતી કચેરીના
પ્રતિનિધિ તેમજ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ પાસેથી તે વિગતો જાણવાના છે. નોંધનીય
છે કે પ્રોજેક્ટના પ્રારંભથી માંડીને ક્યાંય સુધી હીરાસર ગામતળનાં સંપાદનમાં થયેલી
અસામાન્ય ઢીલ આ પ્રોજેક્ટ આડેના મુખ્ય અંતરાયરુપ છે. થોડા દિવસ પહેલાં એરપોર્ટ
ઓથોરિટીના ચેરમેન હીરાસર આવ્યા ત્યારે તેમણે ગ્રામજનોની સંમતિથી સંપાદન પ્રક્રિયા
પાર પાડવા સૂચવ્યું હતું, જેથી સરકારી ઔપચારિકતાનો વિલંબ ખાળી શકાય.
જો કે એ છતાં હજુ વાર લાગી રહી છે એ વિશે કાલે મુખ્યમંત્રીને રજૂઆત સાથે નારાજગી
દાખવવામાં આવે એવા અણસાર મળી રહ્યા છે. દરમિયાન, હાઈ- વેથી
એરપોર્ટ સુધીના બે ઓવર બ્રિજ માટે રાજ્ય સરકારના નેશનલ હાઈ- વે ડિવિઝને હાથ ઊંચા
કરી દેતાં ઓથોરિટીએ એપ્રોચ રોડમાં થોડો વળાંક પણ અપનાવી લઈને રોડ બનાવવા માંડયો
છે.( અલબત્ત, તેમાં પણ હીરાસર ગામ વચ્ચે આવતું હોવાથી
બ્લાસ્ટિંગ ટાળીને ૪૦૦ મીટરનું કામ રોકાવી રાખવું પડયું છે.)
આ જ રીતે, એરપોર્ટનું લોકાર્પણ સપ્ટેમ્બરમાં કરી
નાખવા માટે એટીસી ટાવર પણ મોબાઈલ માઉન્ટેડ મગાવી લેવા નક્કી કરાયું છે કેમ કે ૪૦
મીટર ઊંચાઈવાળો એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવર ઊભો થતાં હજુ ચાર મહિના લાગી જાય તેમ છે.
આ તબક્કે, આંતરિક વર્તુળોએ જણાવ્યું કે પ્લેન લેન્ડિંગ માટે
જરુરી અન્ય ત્રણ મહાકાય અને મોંઘા સાધનો (૧) ડી-વ્યૂઅર (૨) ગ્લાઈડ પાથ અને (૩)
લોકલાઈઝર મૂળ આયોજન પ્રમાણે તો વિદેશથી આયાત કરવાના હતા પરંતુ તેનાં ટેન્ડરિંગ
વગેરેમાં પણ સમય લાગી જાય તેમ હોવાથી લોકાર્પણ પહેલાં હવે વડોદરા, શિલ્ચર અને નવા ખુશીનગર એરપોર્ટ પરથી જ મગાવી લેવાશે.
CMનું હેલિકોપ્ટર નિર્માણાધિન એરપોર્ટનાં એપ્રન પર લેન્ડ થશે
શુક્રવારે સવારે સુરેન્દ્રનગરના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રી ચોટીલા થઈને ત્યાંથી મોટર માર્ગે હીરાસર પહોંચશે તેમ મનાતું હતું પણ સૂત્રોએ જણાવ્યું કે હીરાસર એરપોર્ટ પર એક સાથે 14 વિમાનો ઊભા રહી શકે એવાં એપ્રન બની રહ્યા હોવાથી અને હાલ ત્યાં ચોપર લેન્ડિંગ તો શક્ય જ હોવાથી હેલિકોપ્ટર મારફત જ આવશે. આમ, આ એરપોર્ટ પર એ કદાચ સૌપ્રથમ લેન્ડિંગ બની રહેશે. ઈન્ટર નેશનલ એરપોર્ટનો બોક્સ કલવર્ટવાળો રન-વે સપ્ટોમ્બર સુધીમાં બની જશે.