MLA બોલ્યા, માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિ
સુરત સેવાસદનમાં જિલ્લા સંકલન બેઠકમાં
- સુડાએ 82 મિલકતો જ સીલ કરી છે : અન્ય મિલકતોમાં બીયુસી પરમીશન છે ફાયર એનઓસી છે એવી બાંહેધરી લ્યો
સુરત
માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ.આજની જિલ્લા સંકલન બેઠકમાં સુડા દ્વારા ફકત ૮૨ એકમો સીલ મારવામાં આવતા અકળાયેલા ધારાસભ્યે ઉપરોકત વાકય ઉચ્ચારીને બેઠકમાં પસ્તાળ પાડીને જેની પણ જવાબદારી બને છે. તે ફિકસ કરવાના આક્ષેપો કરતા જ અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટરે આગામી જિલ્લા સંકલન બેઠકમાં સુડા ચેરમેન એવા પાલિકા કમિશ્નરને હાજર રહેવા ફરમાન કર્યુ છે.
લોકસભાની ચૂંટણી પછી આજે પ્રથમ વખત અઠવાલાઇન્સ જિલ્લા કલેકટર ખાતે ચૂંટાયેલા ધારાસભ્યો અને પ્રતિનિધિઓની જિલ્લા સંકલનની બેઠક મળી હતી. આ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યો દ્વારા વિવિધ પ્રશ્નો પુછાયા હતા. જયારે પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ સુડા સામે આક્ષેપો કર્યા હતા કે રાજકોટની ઘટના બાદ સુડા વિસ્તારમાં આવતી ૮૨ જેટલી જ શૈક્ષણિક, ગેમીંગ, હોટલ જેવી મિલ્કતો બીયુસી અને ફાયર એનઓસી ન હોવાના લીધે સીલ મારવામાં આવી છે. પરંતુ સુડા વિસ્તારમાં આ સિવાય બીયુસી ની મંજુરી વગર યુનિટો ચાલે છે. તેની જવબાદારી કોની નક્કી કરવાની ? રાજય સરકાર દ્વારા સુડા અધ્યક્ષ તરીકે સુરત મ્યુનિ. કમિશ્નર શાલિની અગ્રવાલની નિયુકિત કરેલ છે. એને તેઓને સુડા વિસ્તારમાં કોઇ પણ પ્રકારના બાંધકામ પ્રવૃતિ ઉપર ધ્યાન રાખવાની સત્તા મળેલી છે. ત્યારે સુડા દ્વારા ૮૦ એકમો સિવાય તમામ પ્રકારની મિલ્કતોમાં બી. યુ પરમીશન છે. ફાયર એન.ઓ.સી જરૃરિયાત મમંદ એકમો ઉપર અપાયેલ છે. તેવી બાંહેધરી લ્યો એવી રજુઆત થતા અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેકટર સૌરભ પારધી દ્વારા આગામી જિલ્લા સંકલનની બેઠકમાં પાલિકા કમિશ્નરને ઉપસ્થિત રહેવા ફરમાન કર્યુ હતુ.
ધારાસભ્યે વધુમાં આક્ષેપો કર્યા હતા કે કોઇ જીવલેણહાદસો યા અકસ્માત બને ત્યારે શાસકોની ઉપર માછલા ધોવાય છે. જયારે માલ ખાય અધિકારી અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ. આ કામગીરી હવે સુરતમાં ચાલવાની નથી.