Get The App

સુરત શહેરમાં પાલિકા હસ્તકના પાર્ટી પ્લોટના અસમાન ભાડા દર સામે ધારાસભ્યનો વિરોધ

Updated: Feb 19th, 2025


Google NewsGoogle News
સુરત શહેરમાં પાલિકા હસ્તકના પાર્ટી પ્લોટના અસમાન ભાડા દર સામે ધારાસભ્યનો વિરોધ 1 - image


Surat Corporation : સુરત પાલિકા વિસ્તારમાં સામાન્ય લોકોના પ્રસંગો ઓછા ભાડેથી ઉજવાય તે માટે પાર્ટી પ્લોટ અને કોમ્યુનીટી હોલ બનાવ્યા છે. હાલમાં પાલિકાએ કતારગામ અને રાંદેર ઝોનમા નવા બનેલા પાર્ટી પ્લોટના ભાડા નક્કી કર્યા છે. જોકે, આ પાર્ટી પ્લોટના ભાવના દર વધુ હોવાની વાત સાથે કતારગામના ધારાસભ્યએ પાલિકાના પાર્ટી પ્લોટના ભાડા આકારણી આધારિત કે સ્કેવેર ફૂટ આધારિત એકસમાન નક્કી કરવા રજૂઆત કરી છે. આ ઉપરાંત  કતારગામ ઝોનમાં સપ્ટેમ્બર માસમાં તૈયાર થયેલા પાર્ટી પ્લોટ ક્યા કારણોસર ભાડે નહી અપાયો ? તેના માટે જવાબદાર કોણ ? બેદકારી દાખવનારાની જવાબદારી નક્કી કરવા પણ માંગણી કરી છે. 

સુરત પાલિકાના કોમ્યુનીટી હોલ અને પાર્ટી પ્લોટ સામાન્ય લોકોના પ્રસંગ માટે આર્શીવાદ રૂપ બની ગયાં છે. આ પાર્ટી પ્લોટ અને કોમ્યુનીટી હોલની ડિમાન્ડ એટલી છે કે હવે તેનું બુકિંગ 365 દિવસ પહેલા કરવામાં આવે છે. લોકોની ડિમાન્ડના પગલે પાલિકાએ નવા વિસ્તારમાં પાર્ટી પ્લોટ બનાવ્યા છે. હાલમાં જ પાલિકાની સ્થાયી સમિતિએ નવા વિસ્તારમાં બનેલા પાર્ટી પ્લોટના ભાડાના દર નક્કી કરતી દરખાસ્ત મંજુર કરી છે. પરંતુ આ ભાડા સામે કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડીયાએ સુધારો કરવા માટે મ્યુનિ. કમિશ્નરને રજુઆત કરી છે. 

કતારગામના ધારાસભ્યએ મ્યુનિ. કમિશ્નરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કતારગામ ઝોનમાં મારા મત વિસ્તારમાં તેમજ અન્ય વિસ્તારમાં બનાવેલ નવા પાર્ટી પ્લોટ જે હાલ ભાડા દર નક્કી કરવામાં આવેલ છે તે અત્યારથી આજ સુધી જે જુના પાર્ટી પ્લોટ છે. તેના કરતા ઉંચા દર એટલેકે જંત્રી પ્રમાણે નક્કી કરવામાં આવ્યું છે તે મને ઉચિત જણાતું નથી. સુરતના જેટલા પાર્ટી પ્લોટ છે તેમાં આકારણી આધારિત પરથી ભાડું નક્કી કરવું જોઈએ અથવા સુરત મહાનગરપાલિકાના જેટલા પાર્ટી પ્લોટ છે તેમાં મીટર અથવા તો સ્ક્વેરફીટ આધારિત એક સમાન ભાવ રાખવો જોઈએ અને તે પ્રમાણે કામગીરી કરવી જોઈએ તેવું જણાવ્યું છે.

આ ઉપરાંત પત્રમાં વધુ જણાવ્યું છે કે, પાર્ટી પ્લોટ સપ્ટેમ્બર મહિનાથી તૈયાર હતો છતાં પણ એ ભાડે આપવા માટે ખુલ્લો મુકવામાં આવેલ નથી તેના કારણે શું છે ? ચાર મહિના હોયએ આખી સિઝન દરમિયાન તૈયાર કરેલ પાર્ટી પ્લોટ શહેરની જનતાને ઉપયોગમાં ન આવ્યો તેમજ સુરત મહાનગરપાલિકાને લાખો રૂપિયાનું નુકસાન પણ ગયું છે તો તેના માટે જવાબદાર કોણ ? પબ્લિકના ટેક્સના પૈસાથી બનતી સુવિધા આજ દિન સુધી પબ્લિકના ઉપયોગમાં ન આવી તેના માટે જવાબદાર કોણ? ધારાસભ્યએ છ મહિનાથી વારંવાર મેયરને ધ્યાન દોરેલ છે અને મેયરે પણ અધિકારીઓને ધ્યાન દોરેલું હોવા છતાં આ ગંભીર પ્રકારની બેદરકારી દાખવીને સુરત મહાનગરપાલિકાને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેના માટે જવાબદારી કોની બંને છે તેનો જવાબ આપવા જણાવવામાં આવ્યું છે.


Google NewsGoogle News