પર્યાવરણને બચાવવા માટે પેટ્રોલ ડીઝલના ઇંધણથી ચાલતા વાહનોને છોડી ઈલેક્ટ્રીક વાહનો ચલાવવા ધારાસભ્ય રીવાબા જાડેજાની અપીલ
જામનગર, તા. 17 ઓક્ટોબર 2023, મંગળવાર
જામનગર 78-ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા પર્યાવરણને જાળવવા માટેની ઝુંબેશના ભાગરૂપે પેટ્રોલ ડીઝલ જેવા ઇંધણ થી ચાલતા વાહનોને છોડીને વધુ પડતા ઇલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ કરવા માટે નગરજનોને ખાસ અપીલ કરી છે.
જામનગરના સહીયર નવરાત્રી મહોત્સવ દરમિયાન માતાજી ની આરતી સાથેની આરાધના કરવા માટે જોડાયેલા ધારાસભ્ય રિવાબા જાડેજાએ નવરાત્રી મહોત્સવ ના આયોજક સંસ્થા દ્વારા પર્યાવરણને બચાવવા માટે ચલાવવામાં આવતી ઝુંબેશ ને સહર્ષ સ્વીકારીને શુભકામનાઓ પાઠવી હતી.
પેટ્રોલ ડીઝલના ઇંધણનો ઉપયોગ કરવાથી મોટા પ્રમાણમાં પ્રદુષણ ફેલાઈ રહ્યુ છે, ત્યારે પર્યાવરણને બચાવવાના ભાગ રૂપે આવા વાહનોને છોડીને વધુ પડતા ઈલેક્ટ્રીક બાઈક વગેરેનો ઉપયોગ કરે તેવો પ્રજાજોગ સંદેશો ધારાસભ્ય રિવાબા જાડેજા એ આપ્યો હતો.
આ વેળાએ જામનગર મહાનગરપાલિકાના શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, સહિયર નવરાત્રી મહોત્સવ ના સંયોજક સંજય જાની આ નવરાત્રીના પ્રથમ ક્રમાંકિત વિજેતાઓને ઈલેક્ટ્રીક બાઈકનું ઇનામ આપનારા પ્રતીક એન્ટરપ્રાઇઝ વાળા પ્રતીક ઝાલા અને તેઓની ટીમ ને શુભકામનાઓ પાઠવી હતી. ઉપરાંત સહિયર નવરાત્રી મહોત્સવના આયોજક ટિમ ને પર્યાવરણ ને બચાવવા માટેની ઝુંબેશ ને શુભકામનાઓ પાઠવી હતી.