ભારત બંધને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ, જામનગરમાં ચક્કાજામ તો વડોદરામાં દુકાનો બંધ કરાવાતાં ઘર્ષણ
21 August Bharat Bandh : સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં એસસી-એસટી અનામતના સંદર્ભમાં પેટા જાતિના વર્ગીકરણ તેમજ ક્રિમી લેયરના મુદ્દે સર્વે માટેનો ચુકાદો અપાયો હતો. આ ચુકાદાની સામે વિરોધ દર્શાવવા સમસ્ત એસસી-એસટી સમાજ દ્વારા 21 ઑગસ્ટે એટલે કે આજે ભારત બંધનું એલાન અપાયું છે. ત્યારે આ રાષ્ટ્ર વ્યાપી બંધની ગુજરાતમાં મિશ્ર અસર જોવા મળી હતી.
એસસી-એસટી એકતા મંચ અરવલ્લી જિલ્લા દ્વારા ભીલોડા બંધનું એલાન અપાતાં તંત્રને ઍલર્ટ કરાયું છે. જો કે ભીલોડામાં બંધને મંજૂરી અપાઈ છે, પરંતુ સ્થાનિક તંત્રે પોલીસ, મેડિકલ અને ફાયર સહિતની ઇમરજન્સી સેવાઓને બાકાત રાખી બંધ વખતે સામાન્ય નાગરિકોને સહકાર આપવાની એસસી-એસટી મંચ દ્વારા અપીલ કરાઈ છે.
બીજી તરફ, ભારત બંધના એલાનને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. જેમ કે, વિજયનગર, ભીલોડા અને દાંતામાં બજારો સ્વયંભૂ બંધ જોવા મળ્યા હતા, જ્યારે અમુક આદિવાસી વિસ્તારોમાં બજારો ખુલ્લા પણ હતા. ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી વર્ચસ્વ ધરાવતા વિસ્તારોમાં સમર્થન મળ્યું છે. ગુજરાતના દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, દાંતા, અરવલ્લી, નર્મદા, નવસારી, છોટા ઉદેપુર સહિતના જિલ્લા પણ આ બંધમાં જોડાયા છે. હડાદ, દાંતા, મંડાલી, ઇડર, ઉમરપાડા, સાબરકાંઠા, વ્યારા, સોનગઢ, ઉમરપાડા, વિજયનગર સહિત નર્મદા જિલ્લામાં પણ બંધની અસર જોવા મળી હતી. જો કે, અહીં પણ અનેક વિસ્તારોમાં બજારો અંશતઃ ખુલ્લા જોવા મળ્યા હતા.
આ દરમિયાન રાજ્યના અનેક આદિવાસી વિસ્તારોમાં બંધના પોસ્ટર લગાવેલા જોવા મળ્યા છે, તો કેટલાક સ્થળે રેલીઓનું પણ આયોજન કરાયું છે. આ ઉપરાંત ભારત બંધના પગલે પોલીસ પણ એલર્ટ છે. ખાસ કરીને આદિવાસી જિલ્લામાં પોલીસ પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવાયું છે. આમ, કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે અને શાંતિનો ભંગ ન થાય તે માટે પોલીસ સતર્ક છે.
અનામત બચાવોના મુદ્દે ભારત બંધના એલાન વખતે જામનગરમાં ચક્કાજામ
જામનગર શહેરમાં આજે અનામત બચાવોના મુદ્દે ભારત બંધના અપાયેલા એલાનને અનુલક્ષીને જામનગર શહેર અને જિલ્લા અનુસૂચિત સમાજ સહિતના જુદા જુદા દસ જેટલા સંગઠનો દ્વારા બંધને સમર્થન આપવા માટે શહેરમાં રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને સૂત્રોચ્ચાર કરાયા હતા.
દલિત સમાજના કાર્યકરો દ્વારા જામનગરના ટાઉનહોલ સર્કલમાં ચક્કાજામ સર્જી દેવાયો હતો, જેને લઈને તંત્રમાં ભારે દોડધામ થઈ હતી. ઉપરોક્ત વિસ્તારમાં આવેલી કેટલીક દુકાનો થોડો સમય માટે બંધ રહી હતી. જ્યારે વાહન વ્યવહાર પણ અવરોધાયો હતો, જેથી પોલીસ તંત્ર દોડતું થયું હતું. જામનગર શહેર જિલ્લાની જુદી જુદી 10 જેટલી સંસ્થાના દલિત સમાજના હોદ્દેદારો- કાર્યકરો વગેરે રસ્તા પર ઉતર્યા હતા, અને ભારત બંધના સમર્થનમાં સર્વેને જોડાવા માટે અપીલ કરી હતી.
વડોદરામાં ઘર્ષણ, પાટણમાં ચક્કાજામ, જાણો રાજ્યમાં કેવી છે સ્થિતિ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં એસ.સી.-એસ.ટી. સમાજના લોકો ભારત બંધના એલાનના સમર્થનમાં વિરોધ પ્રદર્શન યોજી રહ્યા છે. અનેક શહેરોમાં બળજબરી પૂર્વક દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના એમજી રોડ પર આવેલી દુકાનો બંધ કરાવવા બાબલે બોલાચાલી થતાં ઘર્ષણ થયું હતું. જોકે પોલીસની દરમિયાનગીરીના લીધે ઘર્ષણ ટળી ગયું હતું. તો બીજી તરફ અમદાવાદ અને પાટણમાં દલિત સમાજના લોકોએ રસ્તા રોકી ચક્કાજામ કરતાં પોલીસે અટકાયતનો દૌર શરૂ કરી દીધો હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થયા છે. ગાંધીનગરમાં મોટી સંખ્યામાં એસટી-એસસી સમાજના લોકો એકઠા થયા છે અને તેમણે વિરોધ પ્રદર્શન કરી રેલીનું આયોજન કર્યું હતું.
સુરતમાં રેલી યોજી નારેબાજી કરાઇ
અનામતમાં ક્રિમી લેયર દાખલ કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે સુરતમાં એસસી એસટી સમાજના લોકો દ્વારા રિંગ રોડ પર આવેલી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે નારેબાજી કરીને રેલી યોજવામાં આવી હતી. જે રેલી કલેકટર કચેરીએ પહોંચીને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો.