શિક્ષણને બદલે અંગત હિતો સાચવવામાં યુનિ.માં વિદ્યાર્થી વિકાસ ફંડનો દુરૂપયોગ
લાંબા સમયથી સેનેટ- સિન્ડીકેટની બેઠક બોલાવવામાં નથી આવી : વિદ્યાર્થી વિકાસ ફંડનાં ઉપયોગ માટેની ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંઘન; સત્તા મંડળોની મંજૂરી વિના નાણાંકીય ગેરવહીવટ અટકાવવા માંગ
રાજકોટ, : સૌરાષ્ટ્ર યુનિ.માં નાણાંકીય ભંડોળનો ઉપયોગ કરવાની સત્તા સિન્ડીકેટ સભ્યોને સોંપવામાં આવી છે પરંતુ છેલ્લા 10 મહિનાથી યુનિ.માં ફાયનાન્સ કમિટીની બેઠક મળી નથી. છેલ્લે તા. 29 એપ્રિલનાં સિન્ડિકેટ સભ્યોની બેઠક મળી હતી. ત્યારબાદ આજ સુધી સિન્ડીકેટ સભ્યોની બેઠક પણ મળી નથી. આ સંજોગોમાં મોટાપાયે નાણાકીય ગેરરીતિ અને સરકારી નાણાનો દુરૂપયોગ થયાની સંભાવના દર્શાવી ત્વરિત સિન્ડીકેટ સભ્યોની બેઠક બોલાવવાની માગણી કરવામાં આવી છે.
રાજ્યનાં કુલાધિપતિને કરવામાં આવેલી લેખિત ફરિયાદમાં સૌરાષ્ટ્ર યુનિ.નાં સિનિયર સિન્ડીકેટ સભ્યએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ પાસેથી વિકાસ ફંડનાં નામે વર્ષોથી જે ફી પેટે નાણાં ઉઘરાવવામાં આવે છે તેનો ઉપયોગ કઇ જગ્યાએ કરવો જોઇએ તેનાં નિયમો બનાવવામાં આવ્યા છે પરંતુ હાલનાં સતાધીશો આ નિયમને ધોળીને પી ગયાં છે. સક્ષમ સતામંડળની મંજૂરી લીધા વગર વિવિધ કામગીરી, બિલોનાં ચૂકવણામાં આ નાણાંનો દુરૂપયોગ થઇ રહ્યો છે. રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે ઇન્ચાર્જ કુલપતિ યુનિ.ની સેનેટ, એસ્ટેટ કમિટી, એકેડેમિક કાઉન્સીલ, ફાયનાન્સ કે સિન્ડીકેટ બેઠક બોલાવ્યા વિના નાણાંનો મનસ્વી રીતે ઉપયોગ કરી રહ્યા છે જે મુદ્દે ફોજદારી ગુનો બને છે.
ગુજરાત પબ્લીક યુનિવર્સિટી એક્ટ 2023માં 6માસ સુધીમાં સતા મંડળ અને તેના સભ્યો ચાલુ રહે તેવી જોગવાઇ હોવા છતાં સેનેટ, સિન્ડીકેટ અને ફાયનાન્સ કમિટી બોલાવવામાં આવતી નથી. 1 લાખ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવા માટે સેનેટની મંજૂરી જરૂરી છે પરંતુ સેનેટની મીટીંગ ક્યારે મળશે ? તે હજુ અનિશ્ચિત છે. નાણાંકીય ફાયદો હોય તેવા બિલો વિકાસ ફંડમાંથી ચુકવી દેવામાં આવે છે. બાકી કામનાં બિલો ચૂકવાતા નથી. આ સંજોગોમાં નાણાંકીય ગેરવહીવટ અટકાવવા માટે કાયદા મુજબ પગલાં લેવા અને તાત્કાલિક સિન્ડિકેટ અને સેનેટની બેઠક બોલાવવાની માગણી કરવામાં આવી હતી.