ગઈ ભેંસ પાની મેં: ધોરણ 12ના પુસ્તકમાં છબરડો: બૌદ્ધ ધર્મ વિષે માહીતી મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત
Mistake in 12th standard Gujarati Medium Text Book: બૌદ્ધ સમુદાયને સંદર્ભે ગુજરાતી માધ્યમના ધોરણ 12ના સમાજશાસ્ત્રના પાઠય પુસ્તકમાં થયેલ છબરડા વિષે બૌદ્ધ ધર્મની ખોટી માહિતી છાપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને લખાણ દૂર કરવાની માંગણી કરવામાં આવી છે.
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના પૂર્વ મેમ્બર મૂળચંદ રાણા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા ધોરણ 12ના સમાજ શાસ્ત્ર વિષયના પ્રકરણ 2માં ભારતીય સંસ્કૃતિ અને સમુદાય વિષે બૌદ્ધ સમુદાય મુદ્દે ખોટો ઉલ્લેખ કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે.
પુસ્તકમાં લખ્યું છે?
બુદ્ધ ધર્મમાં બે સ્તર છે. જેમાં ઉચ્ચ સ્તરના બૌદ્ધમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને અમુક કક્ષાના ગૃહપતિઓ છે, જ્યારે નિમ્ન સ્તરમાં બુદ્ધ ધર્મમાં ધર્માન્તરિત થયેલા આદિવાસીઓ અને સીમાંત સમૂહો છે. સારનાથ, સાંચી અને બૌદ્ધિ ગયાના બુદ્ધ ધર્મના મહત્વના કેન્દ્રો છે. તેમના ધર્મગુરુ લામા તરીકે ઓળખાય છે. તેમના ધર્મસ્થાનમાં વિશે વિલ હોય છે. બૌદ્ધ ધર્મ સ્થાને બૌદ્ધ મંદિર તરીકે ઓળખાય છે. તેમનું ધર્મ પુસ્તક ત્રિપિટક છે. તેમજ તેઓ કર્મ અને પુન: જન્મમાં માને છે."
બૌદ્ધ ધર્મમાં સામાજિક વાડાબંધી નથી
જ્યારે મૂળચંદ રાણાએ લખ્યું છે કે બૌદ્ધ ધર્મમાં સામાજિક વાડાબંધી નથી. બૌદ્ધ ધર્મમાં દુનિયામાંથી દરેક સામાજિક વર્ગના અનેક લોકો જોડાયેલા છે. ફક્ત તિબેટીયન વિસ્તારમાં બૌદ્ધ ધર્મ ગુરુ લામા તરીકે ઓળખાય છે, અને વિશ, વિલ એક તિબેટીયન સ્થાનિક પરંપરા છે અને વિશાળ બૌદ્ધ ધમ્મ સાથે કોઈ જ શાસ્ત્રોક સંબંધ નથી. બૌદ્ધ ધમ્મ સ્થાનો બૌદ્ધ વિહાર તરીકે ઓળખાય છે અને કર્મ-પુન: જન્મ એ સંદતર જુઠાણું છે.
તેમણે માંગણી કરી છે કે પુસ્તકના આવા સંવેદનશીલ પર્યાયો અમલી બનતાં પૂર્વે શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચ સ્તરે એ ચકાસવા જરૂરી હતા. તેમણે આક્ષેપ કર્યો છે કે વડા પ્રધાન વિશેષ રીતે બૌદ્ધ ધર્મનો આદર કરતાં હોય ત્યાં આવા વિવાદિત લેખનોથી કુંઠિત થાય છે. એની સૌ જવાબદાર લેખકો, અધિકારીઓ ગંભીરતાપૂર્વક ધ્યાન લે અને વિવાદિત લેખન પાઠ્ય પુસ્તકમાંથી દૂર થાય એ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે. આ પત્ર રાજ્યના રાજ્યપાલ ઉપરાંત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના પાઠ્ય પુસ્તક મંડળને પણ લખવામાં આવ્યો છે.