પારડીના નિર્માણાધીન બિલ્ડિંગમાંથી મળ્યો ગુમ સગીરનો મૃતદેહ, અતુલની હત્યા થયાની આશંકા
Paradi News : વલસાડના પારડીના બાલદા ગામે છેલ્લા 10 વર્ષથી પડતર બિલ્ડિંગની લિફ્ટના ભોંયતળિયેથી ગામમાં જ રહેતા તરૂણની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા ચકચાર મચી છે. જેમાં સગીરનું મોઢું બે-ત્રણ ઈંટથી ઢાંકેલું જોવા મળ્યું હતું. સગીર બે દિવસ અગાઉ ગુમ થયો હતો. સગીરના શરીર પર ઈજાના નિશાન મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે. જો કે, સગીરની હત્યા કોણે અને કયા કારણોસર કરી તેને લઈને તપાસ શરુ છે.
પારડીમાં ગુમ થયેલાં સગીરનો મૃતદેહ મળ્યો
પોલીસની માહિતી અનુસાર, પારડીના બાલદા ગામે નિર્માણાધીન અને છેલ્લા 10 વર્ષથી પડતર બિલ્ડિંગની લિફ્ટના ભોંયતળિયેથી આજે શુક્રવારે સવારે ગામની ક્રિષ્ણાકુંજ સોસાયટી, ઈશ્વર નગરમાં રહેતા ઉપેન્દ્ર સેનના પુત્ર અતુલની ભેદી સંજોગોમાં લાશ મળી હતી. અતુલ ધોરણ 9માં ભણતો હતો. 27 નવેમ્બરની સવારે અતુલ ઘરેથી ગુમ થયા બાદ પરિવારજનોએ શોધખોળ આદરી હતી.
આ પણ વાંચો : કચ્છમાં SOGએ હાઈવે પરથી રૂ.1.47 કરોડનું કોકેઈન ઝડપ્યું, બે મહિલા સહિત ચારની ધરપકડ
આ મામલે જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલા, પારડીના પીઆઈ જી.આર.ગઢવી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જેમાં પોલીસે ડોગસ્કોર્ડ અને એફએસએલની મદદથી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક દ્રષ્ટ્રિએ અતુલ સેનની હત્યા કરાયું જણાતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
આ સાથે આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાની ચકાસણી પણ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે. અતુલની હત્યા કોણે અને કયા કારણોસર કરાઈ તે અંગે હાલ રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. નોંધનીય છે કે, પારડીના મોતીવાડાના યુવતી સાથે દુષ્કર્મ અને હત્યા કેસની હજુ શાહી સૂકાઈ નથી, ત્યારે સગીરની હત્યાની ઘટના બહાર આવતા લોકોમાં ભારે ચકચાર મચી ગઈ છે.