11 દિવસથી ગુમ શિંદે જૂથના અપહ્યત નેતાનો મૃતદેહ ભીલાડમાં પાણીમાંથી મળી આવતા ખળભળાટ
Shiv Sena (Eknath Shinde) leader Dead Body found in Umargam: ઉમરગામના સોળસુંબાની સરહદ પર આવેલા મહારાષ્ટ્રના વેવજી ગામે રહેતા શિવસેના (શિંદે જૂથ)ના નેતાના અશોક ધોડી અપહરણ થયું હતું. તેની તપાસમાં પોલીસની ટીમ ભીલાડ ખાતે આવેલી ક્વોરીમાં પહોંચી હતી. જ્યાં ક્રેઈનની મદદથી લગભગ 45 ફૂટ ઊંડા ખાડામાંથી એક કાર બહાર કાઢી હતી, જેમાંથી અશોક ધોડીનો મૃતદેહ મળ્યો હતો. આ મામલે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. અપહરણ અને હત્યાના ગુનામાં અન્ય નામો પણ ખુલ્યા છે.
જાણો શું છે સમગ્ર મામલો
મહારાષ્ટ્ર પોલીસ પાસેથી મળતિ વિગત અનુસાર, ઉમરગામના સોળસુંબા ગામની સરહદ પર આવેલા મહારાષ્ટ્રના વેવજી ગામે રહેતા શિવસેના (શિંદે જૂથ)ના નેતા અશોક રમણભાઈ ધોડી (ઉ.વ.50) 20મી જાન્યુઆરીના રોજ પોતાની કારમાં દહાણુ ગયા હતા. ત્યાંથી પરત ઘરે આવવા નિકળ્યા હતા. જોકે, રસ્તામાં જ કાર સાથે અશોક ધોડીનું ભેદી સંજોગોમાં ગાયબ થઈ ગયા હતા. મોડી રાત સુધી ઘરે પરત નહીં આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. પરિવારજનો અને સબંધીઓએ ભારે શોધખોળ કરવા છતાં કોઈ ભાળ નહીં મળતા પોલીસમાં ફરિયાદ કરતા અપહરણનો ગુનો નોંધાયો હતો.
આ પણ વાંચો: બજેટના દિવસે કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં નજીવી રાહત, રાંધણ ગેસમાં કોઈ ફેરફાર નહીં
મહારાષ્ટ્ર પોલીસે અપહરણના ગુનામાં પરિવારજનો સહિત અનેકના નિવેદનો લેવો સાથે તપાસનો દૌર શરૂ કરતા મળેલી કડીના આધારે ચાર શખસોની પૂછપરછ કરી હતી. જેમાં અશોક ધોડીનું અપહરણ બાદ હત્યા કરી મૃતદેહને કારમાં મુકી ભીલાડ ખાતે આવેલી ક્વોરીમાં પાણી ભરેલા ખાડામાં ફેંકી દીધાનો ઘટસ્ફોટ થયો હતો. જેથી પોલીસે ચારેય આરોપીની અટક કરી હતી.
પ્લાસ્ટિકના કોથળામાંથી અશોક ધોડીનો મૃતદેહ મળ્યો
પાલઘરના જિલ્લા પોલીસવડા બાબા સાહેબ પાટિલ અને ટીમ આરોપીને લઈ શુક્રવારે (31મી જાન્યુઆરી) ભીલાડ પહોંચી સ્થાનિક પોલીસ અધિકારીની મદદથી ભિલાડના મહાલા ફળિયામાં આવેલી ક્વોરીમાં પહોંચ્યા હતા. જ્યાં પોલીસે ક્રેઈનની મદદથી કાર 45 ફૂટ ઊંડા પાણી ભરેલા ખાડામાંથી બહાર કાઢી હતી. પોલીસે કારની તપાસ કરતા પ્લાસ્ટિકના કોથળામાંથી અશોક ધોડીનો મૃતદેહ મળ્યો હતો.
રાજકીય નેતાનું અપહરણ પ્રોપર્ટીના વિવાદને કારણે કરાયાની શંકા વ્યક્ત કરાઈ હતી. ઉપરાંત ગુજરાતથી મહારાષ્ટ્રમાં દારૂની કરાતી હેરાફેરી અંગે અશોક ધોડી ફરિયાદ કરતા હોવાથી આ કૃત્ય કરાયું હોવાનું પણ મનાઈ રહ્યું છે. જો કે, અપહરણ અને હત્યા કેસમાં પાલઘર પોલીસ માહિતી જાહેર કરે ત્યારે જ સ્પષ્ટ માહિતી બહાર આવી શકશે. આ સાથે અન્ય ત્રણ આરોપીઓના નામો ખુલ્યા હોવાનું પાલઘરના એસપીએ જણાવ્યું હતું. આ સમગ્ર ઘટનામાં મૃતકના મોટા ભાઈનું કાવતરું હોવાનું હાલના તબક્કો તપાસમાં બહાર આવ્યું છે. જો કે, હત્યા અંગે કારણ શું છે તે તેના મોટાભાઈની ધરપકડ બાદ જ સ્પષ્ટ થશે.