વડોદરા દુષ્કર્મના આરોપીઓને સ્ટ્રેચર પર હૉસ્પિટલ લઈ જવા પડ્યા, 1000 ઘર, 45 કિ.મીના 1100 સીસીટીવી ફંફોળ્યા
Misdemeanor Case In Vadodara: નવરાત્રિના પાવન પર્વ પર વડોદરામાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ભાયલી ગામની સીમમાં અવાવરું જગ્યાએ ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડને બાનમાં લઈ પોલીસના નામે રૂઆબ છાંટી ત્રણ નરાધમોએ વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતું. આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી મુન્ના અબ્બાસ, આફતાબ સુબેદાર અને શાહરુખ વણઝારાની ધરપકડ કરી છે. જ્યારે સૈફ અલી વણઝારા, અજમલ વણઝારાની પણ પૂછપરછ માટે અટકાયત કરાઈ છે.
200 પોલીસે 45 કિ.મીના 1100 સીસીટીવી ચેક કર્યા
ભાયલી દુષ્કર્મ કેસના આરોપીઓને પકડવા માટે પોલીસે ભારે મહેનત કરી હતી. આરોપીને શોધવા માટે 200થી વધુ પોલીસકર્મીઓ શોધખોળ અભિયાનમાં જોડાયા છે. આ પોલીસ જવાનો તથા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 45 કિ.મી સુધીના 1100થી વધુ સીસીટીવી ચેક કરીને આ દુષ્કર્મ કેસના 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. દુષ્કર્મની ઘટનામાં ત્રણ કિમી વિસ્તારના 1 હજાર ઘરોમાં પોલીસે તલાશી લીધી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ દુષ્કર્મ કેસના આરોપીની મેડિકલ તપાસ
દુષ્કર્મ કેસના આરોપી મુન્ના અબ્બાસ, આફતાબ સુબેદાર અને શાહરુખ વણઝારાની મેડિકલ તપાસ માટે પોલીસ તેમને વડોદરાની સયાજી હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. આ દરમિયાન આરોપીને સ્ટ્રેચર પર લઈ જવામાં આવ્યા હતા. મેડિકલ તપાસ બાદ પોલીસે કડક પૂછપરછ હાથ ધરી છે. દુષ્કર્મ આચર્યા બાદ ક્યાં ફરાર થઈ ગયા, તેઓ એકબીજા સંપર્ક કેવી રીતે આવ્યા, આ ગુનામાં બીજું કોઈ સંડોવાયેલું છે કે કેમ, તે અંગેના તમામ પ્રશ્નોના જવાબ શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે.
માતાએ ફોન કરતાં નરાધમોએ ઉપાડ્યો
ભાયલી પાસેની અવાવરું જગ્યા પર બોયફ્રેન્ડ સાથે બેઠેલી વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ કરી ફરાર થઈ ગયેલા ત્રણ નરાધમોએ વિદ્યાર્થિનીનો મોબાઇલ પણ લૂંટ્યો હતો. આ મોબાઇલ રાત્રે 1:20 મિનિટ સુધી ચાલુ હતો અને તેનું લોકેશન અટલાદરા વિસ્તારમાં જાણવા મળ્યું હતું. પુત્રી મોડી રાત સુધી ઘેર નહીં આવતાં તેની માતા તેના મોબાઇલ પર સતત ફોન કરતી હતી. ત્યારે નરાધમોએ માતાનો ફોન ઉપાડ્યો હતો અને માત્ર પાંચ સેકન્ડ ચાલુ રહ્યા બાદ ફોન સ્વીચ ઑફ થઈ ગયો હતો.
શું હતી સમગ્ર ઘટના?
વડોદરા શહેર નજીક આવેલા ભાયલી ગામની સીમમાં એક અવાવરું જગ્યાના રોડ પર ડિવાઇડર પાસે સ્કૂટર પાર્ક કરીને સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. તે સમયે ત્યાંથી પસાર થયેલા આરોપીઓ ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની સાથે સામુહિક દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયા હતા. સગીરા પોતાના મિત્ર સાથે અગાઉ પણ ઘટનાના સ્થળે ગઈ હતી. અગાઉ પણ સગીરાએ તેના મિત્ર સાથે જુદા-જુદા સમયે કુલ 7 વખત ભાયલી વિસ્તારની મુલાકાત લીધી હતી. પરંતુ આ છેલ્લી મુલાકાત તેના માટે જીવનભરની પીડા લઈને આવી.