શિક્ષણ સમિતિમાં લઘુમતી વિદ્યાર્થિનીઓ રાસ-ગરબા, લોકનૃત્ય સ્પર્ધામાં ભાગ લેશે
નવરાત્રિમાં વિધર્મીઓને પ્રવેશ નહીના વિવાદ વચ્ચે
સેન્ટ્રલ ઝોનની સ્કૂલની ૧૬ બાળા માતૃવંદનાની પ્રાર્થના કરશે ઃ પહેલીવાર વાલીઓ પણ કૃતિ રજૂ કરશે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર
સુરત સહિત સમગ્ર ગુજરાતમાં આ વર્ષે નવરાત્રી શરુ થઈ ત્યારથી જ ગરબા મેદાનમાં વિધર્મીઓને નો એન્ટ્રીના મુદ્દા વચ્ચે સુરતની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની રાસ-ગરબા અને લોકનૃત્ય સ્પર્ધામાં ૪૦થી વધુ લઘુમતી સમાજની વિદ્યાર્થિનીઓ પરફોર્મ કરશે.
સુરત સહિત સમગ્ર ગુજરાતમાં શરુ થયેલા નવરાત્રી મહોત્સવમાં આ વર્ષે લઘુમતીને એન્ટ્રી નહીની જાહેરાત કેટલાક સંગઠનો ચેકીંગ પણ કરી રહ્યા છે. દરમિયાન આવતીકાલે શિક્ષણ સમિતિની રાસ- ગરબા અને લોક નૃત્યની સ્પર્ધા વરાછાના સરદાર સ્મૃતિ ભવન ખાતે યોજાશે. જેમાં ૬૦૮ બાળકો ભાગ લેશે તેમાં ૪૦થી વધુ લઘુમતી સમાજની વિદ્યાર્થિનીઓ પણ પરફોર્મન્સ આપીને એકતાની મિશાલ આપશે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહન ઇનામો અપાશે.
વધુમાં આ વર્ષે વાલીઓ માટે પણ સ્પર્ધા યોજાઇ છે. જેમાં ૯૬ વાલીઓ ૧૬ કૃતિ રજૂ કરશે. આ વાલીઓ ગુજરાતી નહી પણ અન્ય પ્રાંતના લોકનૃત્ય રજૂ કરશે.