સગીરા પર ગામડીના 3 શખ્સોનું દુષ્કર્મ પોલીસ ગુનો નોંધતી ન હોવાનો આક્ષેપ
એફઆઈઆર ન નોંધાતા જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત
દુષ્કર્મ આચરી વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી : પોલીસે માત્ર અરજી લઈ કામગીરીનો સંતોષ માન્યો હોવાનો પરિવારનો આક્ષેપ
ગામડી ગામે રહેતા ત્રણ શખ્સોએ તાલુકાની એક ૧૭ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે સગીરાએ પોલીસ મથકે આપેલી અરજીમાં જણાવ્યું હતું કે, ત્રણેય શખ્સોએ ઓગસ્ટ મહિનામાં સગીરાનો નંબર મેળવી, ફોન પર અને ઘર પાસે આવીને ખોટી માંગણી કરતા હતા. સગીરાએ બીકના માર્યા વિધવા માતાને કશું જણાવ્યું ન હતું.
દરમિયાન તા.૧૩ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ સગીરા ઘરે એકલી હતી ત્યારે ત્રણેય શખ્સો તેણીના ઘરે પહોંચ્યા હતા. સગીરાએ ઘરનો દરવાજો ખોલવાની ના પાડતા ત્રણેય શખ્સોએ દરવાજો તોડી નાખવાની ધમકી આપી હતી. જેથી ગભરાયેલી સગીરાએ દરવાજો ખોલતા ત્રણેય શખ્સ બળજબરીપૂર્વક ઘરમાં ઘૂસી ગયા હતા અને સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.
એક શખ્સે વીડિયો બનાવ્યો હતો. તેમજ સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. બાદમાં સ્વાતંત્રતા દિવસે સગીરા શાળામાંથી બહાર નીકળતા ત્રણેયે તેને બળજબરીપૂર્વક કારમાં ખેંચી લીધી હતી. બાદમાં વલાસણ નહેર ખાતે લઈ જઈ ફરી દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારે પણ વીડિયો ઉતાર્યો હતો. આ બાબતે કોઈને કંઈ કહીશ તો વીડિયો વાઈરલ કરી દઈશું તેવી ધમકી આપી સગીરાને સીએનજી પંપ પાસે ઉતારી દીધી હતી. ત્રણેય શખ્સો વારંવાર વીડિયો વાઈરલ કરવાની ધમકી આપતા હોવાથી કંટાળી ગયેલી સગીરા ગત તા.૨૮ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપવા ગઈ હતી. જોકે, પોલીસે એફઆઈઆર નોંધવાના બદલે માત્ર અરજી લીધી હતી. સગીરા દ્વારા અવારનવાર પોલીસ મથકે પુછપરછ કરવા જતાં પોલીસ મથકમાં હાજર કર્મી દ્વારા અપશબ્દો બોલી તપાસ ચાલુ છે, પોલીસ મથકે ન આવશો તેમ જણાવ્યું હોવાના આક્ષેપ સાથે સગીરાએ તા.૧૩ નવેમ્બર ૨૦૨૪ના રોજ જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરી હતી. તેમજ ત્રણેય શખ્સો સામે પગલાં લેવા માંગ કરી હતી.
ટાઉન પીઆઈએ ફોન ઉપાડવાની તસ્દી ના લીધી
આ અંગે આણંદ શહેર પોલીસ મથકના પીઆઈનો સંપર્ક કરતા તેમણે ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી. તેમના ડી-સ્ટાફના કર્મચારીને પુછતાં પીઆઈ કોન્ફરન્સમાં હોવાથી ફોન ઉપાડશે નહીં તેમ જણાવ્યું હતું.
ટાઉન પીઆઈને ફોન કરી ફરિયાદ લેવા સૂચના આપું છું : જિલ્લા પોલીસ અધિક્ષક
આ અંગે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જી.વી. જસાણીએ જણાવ્યું હતું કે, હું આણંદ ટાઉન પીઆઈને ફોન કરીને સગીરાની ફરિયાદ લેવા સૂચના આપી દઉં છું. ફરિયાદીને આણંદ ટાઉન પીઆઈને મળવા મોકલવા જણાવ્યું હતું.