ખેતમજૂરો માટે ચેતવણીરૂપ કિસ્સો, ધ્રોળમાં થ્રેસર મશીનમાં ચુંદડી આવી જતાં સગીરાનું મોત
Jamnagar Dhrol Incident : ખેતમજૂરો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના લયારા ગામની સીમ વિસ્તારમાં એક વાડીમાં ચોંકાવનારી ઘટના બની છે. જેમાં ધૂળનું તગારું લેવા જઈ રહેલી 15 વર્ષની પરપ્રાંતીય સગીરાની ચુંદડી થ્રેસર મશીનમાં આવી જતાં ગળે ટુંપો લાગવાથી ઘટના સ્થળે જ મોત નિપજ્યું.
થ્રેસર મશીનમાં સગીરાની ચુંદડી આવતી જતા મોત
મળતી માહિતી પ્રમાણે, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ધ્રોળ તાલુકાના લૈયારા ગામના ખેડૂત ભરતભાઈ માવજીભાઈ વાડોદરિયાની વાડીમાં રહીને મજૂરી કામ કરતા બાનુભાઈ વસુનિયાની 15 વર્ષની પુત્રી અનિતા ઘૂળનું તગારું લેવા જઈ રહી હતી. આ દરમિયાન ઘટના સર્જાઈ હતી. જેમાં સગીરાની ચુંદડી થ્રેસર મશીનમાં આવી ગઈ હતી અને પુલીમાં વીંટાઈ જવાથી સગીરાનું ગળે ટૂંપો લાગવાથી મોત નીપજ્યું. આ બનાવને લઈને શ્રમિક પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
સમગ્ર ઘટનાને લઈને 108 જાણ કરવામાં આવી હતી. જેમાં 108ની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી ત્યાં સુધીમાં સગીરાનું મોત નીપજ્યું. જ્યારે ઘટના અંગે મૃતકના મોટાભાઈ સતીષ વસુનીયાએ પોલીસને જાણ કરતાં ધ્રોળ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી. વઘોરા બનાવના સ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહનો કબ્જો લઈને આગળની તપાસ હાથ ધરી.