રતનપર રિવરફ્રન્ટ પાસેથી દારૂની 23 બોટલ સાથે સગીર ઝડપાયો
- પતરાવાળી ચોકમાંથી જુગાર રમતા એક ઝડપાયો
- ચોટીલા હાઈવે પરથી દારૂની 10 બોટલ સાથે રાજકોટનો શખ્સ ઝડપાયો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂના બે અલગ અલગ દરોડામાં એક સગરી સહિત બે શખ્સ ઝડપાયા હતા જ્યારે એક મહિલા ઝડપાઇ નહતી. પોલીસે બંને દરોડામાં દારૂ, બાઇક સહિત ૩૮ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે પતરાવાળી ચોક વિસ્તારમાં જુગારના દરોડામાં એક શખ્સ ઝડપાયો હતો.
રતનપર વોરાજીના કબ્રસ્તાન પાછળ રિવરફ્રન્ટ તરફ જતા કાચા રસ્તા પર બાવળની આડમાં ઈંગ્લીશ દારૂની વેચાણ થતું હોવાની બાતમીના આધારે જોરાવરનગર પોલીસ ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. દરોડામાં એક સગીર યુવકને દારૂની ૨૩ બોટલ (કિં.રૂા.૧૫,૦૫૦) તથા ટુ વ્હીલર (કિં.રૂા.૨૦,૦૦૦) સહિત કુલ રૂા.૩૫,૦૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારેે અન્ય મહિલા આરોપી મરીયમબેન ઉર્ફે પીન્કી હબીબભાઈ માણેક (રહે.રતનપર) હાજર મળી આવી નહતી. પોલીસે બંને વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા બનાવમાં ચોટીલા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચોટીલા-રાજકોટ હાઈવે પર આવેલી એક હોટલ પાસેથી ચોટીલા પોલીસે રાજકોટના રૈયા ગામ રોડ પર રહેતા મુકેશ પ્રવિણભાઈ વૈષ્ણવને ઈંગ્લીશ દારૂની ૧૦ બોટલ, બીયરના ૧ ટીન (કિં.રૂા.૩,૪૬૦) સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો અને ચોટીલા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
સુરેન્દ્રનગર એ-ડિવીઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પતરાવાળી ચોક પાસે આવેલ પાનની દુકાન પાસે જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા પ્રેમજીભાઈ ઉર્ફે બાબુ સવાભાઈ વાઘેલાને ઝડપી પાડયો હતો. પોલીસે રોકડ સહિતના મુદ્દામાલ જપ્ત કરી એ-ડિવીઝન પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી હતી. પતરાવાળી હોટલ પાસે આવેલા કોમ્પલેક્ષની આસપાસ અવાર-નવાર વર્લી મટકાનો જુગાર રમતા શખ્સો અગાઉ પણ ઝડપાઈ ચુક્યા છે તેમ છતાંય વર્લી મટકાનો જુગારની અસામાજીક પ્રવૃત્તિઓ બંધ થઈ નથી.