ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં માઈનોર કેનાલ તૂટી જતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં
સરકારી ચોપડે રિપેરિંગ કામ પૂર્ણ થયું છતાં
દસથી વધુ ખેતરમાં ઘઉં, જીરૃ, તલ, અજમો સહિતના ઉભા પાકનો સોથ વળી જતાં ખેડૂતોને નુકસાન
આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ માળીયા બ્રાન્ચની માઈનોર કેનાલ ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢ ગામની ચાયડીયા સીમ વિસ્તારમાંથી પસાર થાય છે પરંતુ આ માઈનોર કેનાલ છેલ્લા કેટલાય સમયથી અનેક જગ્યાએ તુટી ગઈ હોવાથી કેનાલનું પાણી લીકેજ થઈ ખેડુતોના ખેતરોમાં આવી જાય છે જેના કારણે અંદાજે ૧૦ થી વધુ ખેડુતોના ખેતરોમાં પાણી ફરી વળતાં ધઉં, જીરૃ, તલ, અજમો સહિતના શિયાળુ પાકને નુકશાન પહોંચ્યું છે આ તમામ ખેડુતો નાના હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે જે મામલે અગાઉ પણ ખેડુતો સહિત ગ્રામજનોએ નર્મદા વિભાગ સહિત ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે આથી કેનાલના પાણીનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવે અથવા કેનાલ રીપેરીંગ કરવામાં આવે તેવી ખેડુતોમાં માંગ ઉઠવા પામી છે. જ્યારે બીજી બાજુ સરકારી ચોપડે કેનાલનું સંપૂૂર્ણ રીપેરીંગ કામ થઈ ગયું હોવાનું અને કેનાલ શરૃ હોવાનું દર્શાવવામાં આવ્યું હોવાનો ખેડુતોએ આક્ષેપ કર્યો હતો. જ્યારે ઉપરથી પાણીના ફોર્સના કારણે ખેડુતોના ખેતરોમાં પાણી ફરી વળે છે જેનો નિકાલ કરવામાં આવે અથવા પાણી ઉપરથી બંધ કરવામાં આવે તેવી માંગ સાથે ભોગ બનનાર ખેડુતો સહિત ગામના આગેવાનોએ લેખીત રજુુઆત કરી હતી અને તાત્કાલીક આ સમઉયાનો ઉકેલ લાવવાની માંગ કરી હતી