Get The App

સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશને મહિલાઓનો હલ્લાબોલ, નશો કરવા 20 રૂપિયા ના આપતા સગીરની હત્યા

Updated: Apr 15th, 2025

GS TEAM


Google News
Google News
સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશને મહિલાઓનો હલ્લાબોલ, નશો કરવા 20 રૂપિયા ના આપતા સગીરની હત્યા 1 - image


Surat Murder Case: સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુંડારાજ, અસામાજિક તત્ત્વો અને નશેડી રાજ વધી ગયું છે. ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં જ કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ હોવાની નાગરિકોની ફરિયાદો છે. સુરતના કાપોદ્રામાં નશો કરવા માટે રૂપિયા આપવાની ના પાડતાં 17 વર્ષીય સગીરની ચપ્પાના ઘારી મારીને હત્યા કરી દેવામાં આવતાં ભારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના પડઘા એટલા ઉગ્ર પડ્યા છે કે, યુવકની હત્યાના બાદ મહિલાઓએ રણચંડી બનીને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. આ મહિલાઓએ કાપોદ્રા જ નહીં, સમગ્ર સુરતમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવાની તેમજ હત્યારાને ફાંસી આપવાની માગ કરી હતી. 400-500 મહિલાના ટોળાએ કાપોદ્રા પોલીસ સ્ટેશને હલ્લાબોલ કરતાં માહોલ તંગ બની ગયો હતો. આ મામલે ડી.સી.પી. આલોક કુમારે જણાવ્યું હતું કે આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને 15 દિવસમાં ચાર્જશીટ દાખલ કરાશે.  


પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા અરવિંદભાઇ વાઘેલા મૂળ અમરેલીના માલસીકાના વતની છે. તેઓ પોતાના પરિવાર સાથે સુરતમાં રહે છે અને ફ્રૂટની લારી ચલાવી ગુજરાત ચલાવે છે. તેમનો એકનો એક પુત્ર પરેશ હીરાના કારખાનામાં કામ કરીને પરિવારને આર્થિક મદદ કરતો હતો. ત્યારે સોમવારે રાત્રે પરેશ કારખાનેથી ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન પ્રભુ શેટ્ટી  (ઉં. 25, રહે. લક્ષ્મણ નગર સોસાયટી, કાપોદ્રા)એ નશો કરવા માટે પૈસા માંગ્યા હતા. પરેશ કહ્યું હતું કે મારી પાસે માત્ર ભાડાના 10 રૂપિયા જ છે. આ વાત સાંભળતા જ પ્રભુએ તેની સાથે માથાકૂટ કરી પેટમાં ચપ્પુ ભોંકી દીધું હતું.

આ હુમલા બાદ પરેશને ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક તેને સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. એટલું જ નહીં, આરોપી પ્રભુએ પરેશને ચપ્પાના ઘા માર્યા બાદ આગળ જઇને રીક્ષાચાલક સાથે માથાકૂટ કરી તેને પણ ચપ્પાના ઘા માર્યા હતા. હાલ આ રીક્ષાચાલક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

આ પણ વાંચો: અમદાવાદમાં અસામાજિક તત્ત્વોએ તલવારો સાથે સોસાયટીમાં મચાવ્યો ઉત્પાત, વાઇરલ થયો વીડિયો

આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો. 500થી વધુ લોકોનું ટોળું પોલીસ સ્ટેશને પહોંચી ગયું હતું અને ન્યાયની માંગણી સાથે નારેબાજી કરી હતી. પરિસ્થિતિ વણસે તે પહેલાં પોલીસે સ્ટેશનના દરવાજાને લોક મારી દીધું હતું અને ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ દોડી આવ્યા હતા. અધિકારીઓએ કડક કાર્યવાહીની સાંત્વના આપી અને સમજાવટ બાદ મોડી રાત્રે સમગ્ર મામલો થાળે પડ્યો હતો. 

સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશને મહિલાઓનો હલ્લાબોલ, નશો કરવા 20 રૂપિયા ના આપતા સગીરની હત્યા 2 - image

પોલીસે પરેશનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો અને ગણતરીની મિનિટોમાં આરોપી પ્રભુ શેટ્ટીની ધરપકડ કરી હતી. આરોપીએ ચપ્પુના ઘા મારી હત્યા કરી હોવાનો પણ સ્વીકાર કર્યો હતો. 

પોલીસ કડક કાર્યવાહી કરે છે, સરકારી ચોપડે ક્રાઇમ રેટ ઘટે છે પરંતુ રાજ્યના અનેક શહેરોમાં નશાખોરો અને અસામાજિક તત્ત્વોની ગુંડાગીરી વધી રહી છે. 

સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશને મહિલાઓનો હલ્લાબોલ, નશો કરવા 20 રૂપિયા ના આપતા સગીરની હત્યા 3 - image

મહિલાઓ રણચંડી બની, દારૂના અડ્ડા બંધ કરાવવાની માગ સાથે પોલીસ સ્ટેશનનો ઘેરાવો

સુરતના કાપોદ્રામાં યુવકની હત્યાના પગલે મહિલાઓ રણચંડી બની પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો છે. કાપોદ્રા વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની માંગ અને મૃતકના આરોપીને ફાંસીની સજા આપવાના નારા લગાવામાં આવી રહ્યા છે. મહિલાઓએ કાપોદ્રા પોલીસ સ્ટેશને હલ્લાબોલ કરતાં માહોલ તંગ બન્યો છે. આ મામલે ડી.સી.પી. આલોક કુમારે જણાવ્યું હતું કે આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને 15 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે સોમવારે મોડી રાત્રે હત્યાના બનાવ બાદ સ્થાનિકોએ પણ કાપોદ્રા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. ન્યાયની માંગણી સાથે નારેબાજી કરી હતી. પોલીસે પરિસ્થિતિને જોતાં પોલીસ સ્ટેશનને લોક મારી દીધું હતું અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો છે. પોલીસ અધિકારીઓએ સ્થાનિકો સાથે વાતચીત કરી હતી અને કડક કાર્યવાહીની સાંત્વના આપી મામલો શાંત પાડ્યો હતો. 

Tags :