ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલામાં વિદેશ મંત્રાલયની કાર્યવાહી, ટોળા સામે ફરિયાદ
ટોળાએ યુનિવર્સિટીના હોસ્ટેલમાં ઘૂસી નમાજ પઢવા મામલે વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી પથ્થરમારો કર્યો
ઘટનામાં 25 લોકોના ટોળા સામે ફરિયાદ : વિદેશ મંત્રાલય ગુજરાત સરકારના સંપર્કમાં, કડક કાર્યવાહીના આદેશ આપ્યા
Gujarat University Violence : અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં બે વિદેશી વિદ્યાર્થીઓ (Foreign Student) પર હુમલો થવાની ઘટનામાં 25 લોકોના ટોળા સામે ફરિયાદ થઈ છે. હવે આ મામલે વિદેશ મંત્રાલયે પણ કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. વિદેશ મંત્રાલયે એક્સ પર પોસ્ટ કરી દોષિતોને કડક સજા આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત અમદાવાદ સર્કિટ હાઉસમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક બોલાવી છે, જેમાં રાજ્યના ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. સમગ્ર ઘટનાનો અહેવાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માંગ્યો છે.
ગુજરાત સરકારની ગુનેગારો સામે કડક કાર્યવાહી
વિદેશ મંત્રાલયે (Ministry Of External Affairs) એક્સ પર લખ્યું છે કે, ‘ગઈકાલે અમદાવાદ (Ahmedabad)ની ગુજરાત યુનિવર્સિટીમાં હિંસાની ઘટના થઈ. રાજ્ય સરકાર ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે. હિંસામાં બે વિદેશી વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ રજા આપી દેવાઈ છે. વિદેશ મંત્રાલય ગુજરાત સરકારના સંપર્કમાં છે.’
ગૃહરાજ્યમંત્રીએ બેઠક બોલાવી
યુનિવર્સિટીના હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ મારામારી મારે રાજ્યનું ગૃહમંત્રાલય પણ એક્શમાં આવી ગયું છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ સર્કિટ હાઉસમાં બેઠક બોલાવી છે, જેમાં રાજ્યના ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. સમગ્ર ઘટનાનો અહેવાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માંગ્યો છે.
યુનિ.ના હોસ્ટેલમાં નમાજ પઢવા મુદ્દે ટોળાનો હુમલો
ગઈકાલે મોડી રાત્રે એક ટોળું ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલમાં પહોંચી ગયું હતું, જ્યાં બિલ્ડિંગમાં નમાજ પઢવા મામલે ટોળાએ વિવિધ દેશોના વિદ્યાર્થીઓ પર હુમલો કરી મારપીટ કરી હતી, જેમાં બે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે રવિવારે જણાવ્યું કે, શનિવાર રાતની ઘટના બાદ શ્રીલંકા અને તજાકિસ્તાનના એક-એક વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ટોળાએ યુનિ.ના હોસ્ટેલમાં ઘૂસી મારપીટ કરી
પોલીસ કમિશનર જી.એસ.મલિકે કહ્યું કે, ‘20થી 25 લોકો વિરુદ્ધ પ્રાથમિક ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ઘટનાની તપાસ માટે સુરક્ષા કર્મચારીઓની ટીમ બનાવાઈ છે. અમને શનિવારે રાત્રે લગભગ 10.50 મિનિટે ઘટના અંગે માહિતી મળી હતી. 20થી 25 લોકો ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલમાં ઘુસી ગયા હતા અને અફઘાનિસ્તાન, ઉજબેકિસ્તાન સહિત અન્ય દેશોના વિદ્યાર્થીઓ દ્વારા નમાજ પઢવા મામલે વાંધો ઉઠાવ્યો હતો.
યુનિવર્સિટીમાં 300 વિદેશી વિદ્યાર્થીઓ
તેમણે કહ્યું કે, ટોળાએ વિદ્યાર્થીઓને મસ્જિદમાં નમાજ પઢવા કહેતા આ મામલે મામલો બિચક્યો હતો અને પછી મારપીટ અને પથ્થરમારો કરાયો. યુનિવર્સિટીમાં અફઘાનિસ્તાન (Afghanistan), તજાકિસ્તાન (Tajikistan), શ્રીલંકા (Sri Lanka) અને આફ્રિકન (Africa) દેશના વિદ્યાર્થીઓ સહિત લગભગ 300 વિદેશી વિદ્યાર્થી નોંધાયેલા છે. જ્યાં ઘટના બની તે યુનિવર્સિટી હોસ્ટેલના એ-બ્લોકમાં 75 વિદેશી વિદ્યાર્થીઓ રહે છે. આ કેસની દેખરેખ જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) દ્વારા કરાશે.