ખાણ ખનીજ વિભાગની ગાડીને ટક્કર મારી ખાનીજ માફિયાઓએ અધિકારીઓને ધમકી આપી
- મુળીના ગોદાવરી ગામ પાસે ખનીજ માફિયાઓની દાદાગીરી
- અધિકારીઓ કબજે કરેલા ડમ્પરમાંથી કાર્બોસેલ ખાલી કરી વાહન પડાવી આરોપી નાસી છુટયા : ફરજમાં રૂકાવટ ઊભી કરતા ચાર સામે ફરિયાદ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનન પ્રવૃતિઓ અટકવાનું નામ નથી લેતી, બીજી તરફ પેધી ગયેલા ખનન માફિયાઓ પણ અધિકારીઓને દાદ દેતા નથી. આજે તો ખાણ ખનીજ વિભાગને શરમમાં મૂકી દે તેવી ઘટના બની છે. મુળીના ગોદાવરી ગામ પાસે કાર્બોસેલ ભરેલું ડમ્પર જપ્ત કરવા ગયેલા ખાણ ખનીજ ખાતાના અધિકારીઓની કાર સાથે કાર અથડાવી ખનન માફિયા ઘેરી લીધા હતા. ખાણ માફિયાઓએ અપશબ્દો બોલી રોફ જમાવ્યો હતો અને અધિકારીઓને ધમકી આપી હતી અને કબજે કરેલા ડમ્પરમાંથી કાર્બોસેલ ખાલી કરી વાહન લઈ નાસી છુટયા હતા.
મુળી તાલુકાના ગોદાવરી ગામ પાસે જિલ્લા ખાણ ખનીજ વિભાગની સરકારી કાર સાથે ઈરાદાપૂર્વક કાર અથડાવી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી ગેરકાયદેસર ખનીજચોરી મામલે કરી રહેલ કાર્યવાહીમાં રૂકાવટ અંગે ભોગ બનનાર ખાણ ખનીજ વિભાગના અધિકારીએચાર શખ્સો સામે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કુદરતી રીતે ખનીજનો અખૂટ ભંડાર આવેલો છે. ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના અનેક તાલુકાઓમાં કુદરતી રીતે રેતી ખાસ કરીને થાન, મુળી પંથકમાં અખૂટ પ્રમાણમાં કાર્બોેસેલ મળી આવે છે. સરકાર દ્વારા પણ રોયલટી આપીને જિલ્લામાં આવેલ કુદરતી અખૂટ ભંડારનું વેચાણ કરીને કરોડો રૂપિયાની આવક કરવામાં આવી રહી છે. બીજી તરફ કેટલાક લોકો ગેરકાયદે રીતે આ કુદરતી સંપત્તિનું રોયલ્ટી અને પરવાના વગર પણ ખનીજ ચોરીઓ બેફામ થઇ રહી છે. કાળી કમાણી કરીને ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. સ્થિતિ હવે એ હદે પહોંચી છે કે અધિકારીઓની પણ હવે બીક રહી નથી.
આજે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેક્ટર તેમજ ફરિયાદી બિપીનભાઈ કાછડીયા સહિત ટીમ સરકારી ગાડીમાં ગેરકાયદેસર ખનીજચોરી અંગે ચેકિંગમાં નીકળ્યા હતા. જેમાં મુળી-સરા રોડ પર કાર્બોસેલ ભરેલ ડમ્પરને રોકી મુદ્દામાલ સહિત ડમ્પર સીઝ કરી ખાણ ખનીજ કચેરી ખાતે લઈ જઈ રહ્યાં હતાં. તે દરમિયાન ગોદાવરી ગામના પાટિયા પાસે હર્ષદિપસિંહ ઝાલા, રાજદિપસિંહ ઝાલા તેમજ રોહિતભાઈ ચંદુભાઈ વાઘરોડીયા (ડમ્પર ચાલક, રહે.વડોદ) અને કાર ચાલકે ફરિયાદીની સરકારી ગાડી સાથે કાર અથડાવી ફરિયાદી સહિત ટીમને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ ઝડપી પાડેલ ડમ્પરમાં ભરેલ કાર્બોસેલ રસ્તામાં ખાલી કરી ડમ્પરને લઈ નાસી છુટયા હતા અને ફરજમાં રૂકાવટ કરી હતી. જે મામલે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.