ખાણ ખનિજ વિભાગમાં મહત્વની જગ્યાઓ આઉટ સોર્સિંગના ભરોસે
રોયલ્ટી ઇન્સ્પેક્ટરો, માઇન્સ સુપરવાઇઝર અને સર્વયરોની સરકારે ભરતી જ બંધ કરી દીધી
વડોદરા, તા.20 ગુજરાત ખાણ ખનિજ વિભાગમાં કાયમી ભરતી થતી નથી અને આ મહત્વના વિભાગમાં મહત્વની જગ્યાઓ પર હવે આઉટ સોર્સિંગથી વિવિધ પદો પર ભરતીની સંખ્યા વધવા લાગી છે. તાજેતરમાં આઉટ સોર્સિગ દ્વારા વધુ મહત્વની જગ્યાઓ પર થયેલી ભરતીની રાજ્યભરમાં નિમણૂંકના ઓર્ડર કરવામાં આવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે ખાણ ખનિજ વિભાગમાં મહત્વની જગ્યાઓ જેવી કે માઇન્સ સુપરવાઇઝર, સર્વેયર અને રોયલ્ટી ઇન્સ્પેક્ટરોની ભરતી સરકાર દ્વારા ભરતી બંધ જ કરી દેવામાં આવી હોવાનું લાગે છે. આ પદો પર હવે સરકાર દ્વારા આઉટ સોર્સિંગથી જ ભરતી કરવામાં આવી રહી છે. તાજેતરમાં આઉટ સોર્સિંગ દ્વારા વધુ ૫૬ કર્મચારીઓના નામો સૂચવતા તેમને રાજ્યભરના અનેક જિલ્લાઓમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આઉટ સોર્સિંગ દ્વારા રોયલ્ટી ઇન્સ્પેક્ટરો માટે ૧૬, માઇન્સ સુપરવાઇઝરો માટે ૨૭ અને સર્વેયરો માટે ૧૩ નામો ખાણ ખનિજ વિભાગને સૂચવવામાં આવ્યા હતાં. જે નામો સૂચવવામાં આવ્યા તે તમામને અલગ અલગ જગ્યાઓ પર મૂકી દેવાયા છે. થોડા સમય પહેલાં પણ મોટી સંખ્યામાં આ પ્રકારના કર્મચારીઓને વિવિધ જિલ્લાઓમાં મૂકાયા હતાં અને હવે વધુ કર્મચારીઓને ફાળવવામાં આવતા નિયુક્તિ અપાઇ છે.
ખાણ ખનિજ વિભાગમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર, માઇન્સ સુપરવાઇઝર અને સર્વેયરોની મહત્વની જગ્યાઓ મનાય છે. આ જગ્યાઓ આઉટ સોર્સિંગના ભરોષે મૂકી દેવામાં આવી છે.