રાજ્યના વિવિધ માર્કેટિંગ યાર્ડમાં મિની વેકેશન, જાણો કયા યાર્ડમાં કેટલા દિવસ કામ રહેશે બંધ
Mini Vacation Announced In Gujarat Marketing Yard : દિવાળીના તહેવારના ગણતરીના દિવસો બાકી છે, આ દરમિયાન રાજ્યના અલગ-અલગ માર્કેટિંગ યાર્ડમાં દિવાળી તહેવારને લઈને મિની વેકેશન જાહેર કરાયું છે. જેમાં રાજકોટ, ગોંડલ, મહુવા-ભાવનગર, હાપા-જામનગર, પોરબંદર, નવાગંજ-પાટણ સહિતના માર્કેટિંગ યાર્ડમાં બેથી સાત દિવસ સુધી તમામ કામો બંધ રહેશે.
સાત દિવસ બંધ રહેશે રાજકોટ માર્કેટિંગ યાર્ડ
રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરીને મિની વેકેશન જાહેરાત કરી છે. માર્કેટિંગ યાર્ડ આગામી 30 ઑક્ટોબરથી 5 નવેમ્બર સુધી બંધ રહેશે. જેમાં ધન તેરસના દિવસે હરાજી થયા બાદ યાર્ડનું કામકાજ બંધ કરાશે, આ પછી લાભ પાંચમે યાર્ડ ખોલવામાં આવશે.
શહેરના માર્કેટિંગ યાર્ડમાં વકેશનને પગલે સાત દિવસ દરમિયાન તમામ કામો બંધ રહેશે. આ ઉપરાંત શાકભાજી વિભાગ નવેમ્બર મહિનાની શરૂઆત એટલે કે 1 થી 5 નવેમ્બર સુધી બંધ રહેશે.
આ પણ વાંચો : કેનેડામાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં ગુજરાતી ત્રીજા ક્રમે, જાણો પહેલા અને બીજા ક્રમે કઈ?
મહુવા માર્કેટિંગ યાર્ડ સાત દિવસ બંધ
ભાવનગર ખાતે આવેલા મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, દિવાળી તહેવારને લઈને યાર્ડમાં વેકેશન જાહેર કર્યું છે. 30 ઑક્ટોબરથી 5 નવેમ્બર સુધી યાર્ડ બંધ રહેશે, જ્યારે 6 નવેમ્બરથી કામકાજ રાબેતા મુજબ શરુ થશે. જેની ખેડૂતો સહિત લોકોને નોંધ લેવા જણાવ્યું.
જ્યારે 5 નવેમ્બરના સાંજના પાંચ વાગ્યે જણસની નવી આવકોને પ્રવેશ આપવામાં આવશે અને બીજા દિવસે લાભ પાંચમની સવારે નૂતનવર્ષનું સ્નેહમિલન રાખવામાં આવ્યું છે. જેમાં ખેડૂતો, વેપારી સહિતના લોકો હાજર રહેશે.
આ પણ વાંચો : નકલીનો ડબલ ડોઝ: ફેસબૂક પર CBI ઈન્સ્પેક્ટર-વોટ્સએપ પર વકીલ, ગઠિયાએ દોઢ લાખ ઠગ્યા
પાટણ નવાગંજ માર્કેટયાર્ડ નવ દિવસ બંધ
દિવાળી પર્વને લઈને પાટણ નવાગંજ માર્કેટયાર્ડ ખાતે નવ દિવસનું મિની દિવાળી વેકેશન જાહેર કરાયું છે. જેમાં માર્કેટયાર્ડ સમિતિ દ્વારા આગામી 28 ઑક્ટોબર થી 5 નવેમ્બર સુધી બંધની જાહેરાત કરી છે. જ્યારે 6 નવેમ્બર એટલે કે લાભ પાંચમે યાર્ડ ફરી ધમધમતું થશે. જેમાં વિવિધ જણસની હરાજીથી ખરીદ-વેચાણ કરાશે અને ખેડૂતો, વેપારીઓનું સ્નેહમિલન યોજાશે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સાત દિવસનું મિની વેકેશન
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આગામી દિવાળીના તહેવારને લઈને સાત દિવસ એટલે કે તારીખ 30 ઑક્ટોબરથી 5 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. માર્કેટિંગ યાર્ડમાં તમામ કામો બંધ રહેશ અને આગામી લાભ પાંચમ બાદ યાર્ડ રાબેતા મુજબ શરુ કરાશે.
પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં અનાજ, શાકભાજી અને ફ્રૂટ વિભાગમાં મિની વેકેશન
દિવાળીના તહેવાર દરમિયાન પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં અનાજ વિભાગ અઠવાડિયા સુધી અને શાકભાજી સહિત ફ્રૂટ વિભાગ બે દિવસ સુધી બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેમાં 30 ઑક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન અનાજ વિભાગમાં હરાજીનું કામકાજ બંધ રહેશે. જે આગામી 6 નવેમ્બરના લાભ પાંચમે શરુ કરાશે. જ્યારે ફ્રૂટ વિભાગ સહિત શાકભાજી વિભાગમાં 2-3 નવેમ્બરે યાર્ડ બંધ રહેશે.
જ્યારે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આગામી દિવાળીના તહેવારોને ઘ્યાનમાં રાખીને 30 ઑકટોબરથી 5 નવેમ્બર સુધી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે.