Get The App

સાબરમતી નદીમાં ખાણ-ખનીજ વિભાગનો દરોડો : ૧.૮૦ કરોડનો મુદ્દામાલ જપ્ત

Updated: Apr 24th, 2025

GS TEAM


Google News
Google News
સાબરમતી નદીમાં ખાણ-ખનીજ વિભાગનો દરોડો : ૧.૮૦ કરોડનો મુદ્દામાલ જપ્ત 1 - image


ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા અનોડિયા પાસે

નદીની કોતરોમાં ઝાડી વિસ્તારમાં છુપાવીને રાખેલા રેતી ખનનના બે જેસીબી સહિત ત્રણ મશીનો પોલીસને સાથે રાખીને પકડયા

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અનોડીયા ગામ ખાતે સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં બિનઅધિકૃત રેતી ખનનની ફરિયાદના આધારે જિલ્લા કલેક્ટરની સુચનાને પગલે ભૂસ્તર વિજ્ઞાાન અને ખનિજ ખાતાની ક્ષેત્રીય ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં ત્રણ હિટાચી મશીનો સહિત આશરે ૧.૮૦ કરોડ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ગાંધીનગરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં જાણે દરેકને રેતીખનનનો ખુલ્લો પરવાનો આપી દેવામાં આવ્યો હોય તે રીતે નદી કિનારેથી જ નહીં પણ નદીની અંદર મધ્યમાં જઇને બેફામ અને બેરોકટોક ગેરકાયદે ખનનની પ્રવૃત્તી વધી રહી છે. જેના પગલે મંગળવારે બપોરે બે વાગ્યે અનોડીયા ગામના છેલ્લાવાસ ખાતે રેડ કરી હતી. આ દરમિયાન સ્થાનિક અસામાજિક તત્વોએ ટ્રેક્ટર અને કાંટાવાળા ઝાળીઓ રસ્તામાં નાખી ટીમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રોયલ્ટી ઇન્સ્પેક્ટર મેહુલા સભાયા અને માઇન્સ સુપરવાઇઝર રણછોડભાઈ આહીરની આગેવાની હેઠળ ટીમે હિંમત ન હારી અને કાર્યવાહીને સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.

સ્થાનિક અસમાજિક તત્વો દ્વારા કામગીરીમાં અડચણ ઉભી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોવાની જાણ થતા જિલ્લા કલેક્ટર મેહુલ દવેની સુચનાથી એસપી દ્વારા માણસાની પીઆઇ જી.કે. ભરવાડને દોડાવ્યા હતા.જ્યાં પોલીસ અને ભુસ્તરની ટીમે સંયુક્ત રીતે નદી પટ્ટના કોતરોમાં તપાસ હાથ ધરી હતી. જેમાં બિનઅધિકૃત ખનનમાં વપરાતા એક હ્યુન્ડાઈ એક્સકેવેટર અને બે જેસીબી એક્સકેવેટર મશીનો જપ્ત કરવામાં આવ્યા. આ મશીનો પીપળજ ચેકપોસ્ટ ખાતે સુરક્ષિત રાખવામાં આવ્યા છે.

રેતી ચોરોએ રેડ કરતી ટીમના રસ્તામાં ટ્રેક્ટરો અને કાંટાળી ઝાડી નાંખી દીધા

જિલ્લા ભુસ્તર તંત્રની ટીમ દ્વારા મંગળવારે બપોરે માણસાના અનોડિયા ખાતે દરોડો પાડયો હતો. ભુસ્તરની ટીમનો દરોડો પડયો હોવાની વાત સ્થાનિક રેતી ચોરોને મળતા આ રેતી ચોરો તથા અસમાજિત તત્વો દ્વારા ટીમ નદીના પટ્ટ સુધી ન આવી શકે તે માટે રસ્તામાં ટ્રેક્ટરો આડેધડ રાખીને રસ્તો બ્લોક કરી દીધો હતો. આ ઉપરાંત અહીં ઝાડી-ઝાંખરા રાખીને પણ ટીમ નદી સુધી ન પહોંચે તે માટેનું ષડયંત્ર કરવામાં આવ્યું હતું.જેના પગલે ભુસ્તર તંત્રએ કલેક્ટરને જાણ કરી હતી અને માણસા પોલીસની મદદની સાથે અહીં દરોડો પાડવામાં આવ્યો હતો. જો કે, ટીમ નદીમાં પહોંચે તે પહેલા આ રેતી ચોરો ભાગી જવામાં સફળ રહ્યા હતા.

નદીના પટ્ટમાં ચાર જિલ્લાની ટીમો દ્વારા ૧૫ કલાક કાર્યવાહી ચાલી,દંડ ફટકારાશે

આ તપાસ ૨૨ એપ્રિલના બપોરે બે વાગ્યાથી શરૃ થઈ અને ૨૩ એપ્રિલના સવારે ૪ઃ૪૫ વાગ્યા સુધી ચાલી હતી. અન્ય કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા અને અમદાવાદની ક્ષેત્રીય ટીમોને પણ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા મશીનોના માલિકો વિરુદ્ધ ગુજરાત મિનરલ નિયમો હેઠળ દંડની કાર્યવાહી શરૃ કરવામાં આવશે. આ ઉપરાંત, બિનઅધિકૃત ખોદકામ કરાયેલી રેતીના જથ્થાની માપણી કરી દંડની રકમ નક્કી કરવામાં આવશે.

Tags :