Get The App

ઊનાના PSI વરૂ વતી 1 લાખની લાંચ લેતો વચેટીયો પકડાયો

Updated: May 30th, 2024


Google NewsGoogle News
ઊનાના PSI વરૂ વતી 1 લાખની લાંચ લેતો વચેટીયો પકડાયો 1 - image


આણંદ ACB ટીમનું સફળ છટકું દારૂના કેસમાં આરોપીને માર ન મારવા અને અન્યનાં નામ ન ખોલવા બાર સંચાલક પાસે પાંચ લાખની રકમ માંગી હતી

ઊના, : આણંદ એસીબીની ટીમે સફળ છટકું ગોઠવી ઊનાના પીએસઆઇ વરૂ વતી રૂપિયા એક લાખની લાંચની રકમ સ્વીકારનાર વચેટીયાને રંગે હાથ ઝડપી લીધો હતો. દારૂના કેસમાં ઝડપાયેલા આરોપીને માર ન મારવા, બારનાં અને અન્ય આરોપીનાં નામ ન ખોલવા બાર સંચાલક પાસે રૂપિયા પાંચ લાખની માંગણી કરાયા બાદ એક લાખ આપવાનું નક્કી થયું હતું.

ઊના શહેરમાં બુધવારે મોડી સાંજે ગીરગઢડા રોડ ઉપર આવેલી એક  હોસ્પિટલ પાસે આણંદના એન્ટી કરપ્શન બ્યુરોના પીઆઇ એમ.એલ.રાજપૂત અને તેમની ટીમે સફળ છટકું ગોઠવી ઊનાના પીએસઆઇ વરૂના કહેવાતા વચેટીયા વિજય છગનભાઈ જેઠવા ઉર્ફે ફાડીયો (રહે. ઊના)ને ફરિયાદી પાસેથી રોકડા રૂપિયા એક લાખની રકમની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયો હતો. ત્યારબાદ તેને ઊનાના સકટ હાઉસમાં લઇ જઇ આગવી ઢબે પૂછપરછ કરતા એસીબી અધિકારી સમક્ષ કબૂલાત આપી હતી કે,  ઊના પોલીસ સ્ટેશનમાં  ફરજ બજાવતા પીએસઆઇ એચ.કે.વરૂના કહેવાથી રૂપિયા લીધા હતા. 

અધિકારીએ માહિતી આપતાં વધુમાં જણાવ્યું હતું કે,  બે માસ અગાઉ ઊના પોલીસે વિદેશ દારૂનો જથ્થો પકડયો હતો અને તેની તપાસ પીએસઆઇ એચ.કે. વરૂ પાસે હતી. આ ગુનામાં પોલીસે ફરિયાદીના મિત્રને પકડયો હોવાથી તેને માર ન મારવા,  દારૂના બાર અને અન્ય આરોપીના નામ ન ખોલવા  દીવના એક બાર સંચાલક પાસે રૂપિયા પાંચ લાખની પીએસઆઇએ માગણી કરી હતી. બાદમાં  રકઝક કરી રૂપિયા એક લાખ આપવાનું  નક્કી થયું હતું. જોકે આ રકમ ફરિયાદી દીવવાળાએ આપવી ન હોવાથી તેઓએ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ઓફિસમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ અમદાવાદના એસીબી નિયામક કે.બી. ચુડાસમાના સુપરવિઝન હેઠળ આણંદની એન્ટી કરપ્શન બ્યુરોના પીઆઇ અને તેમની ટીમે ફરિયાદી અને પંચો સાથે રેડ કરી હતી. લાંચની રકમ લેતા  પકડાયેલા વચેટિયા વિજય છગનભાઈ જેઠવા પાસેથી તેનો મોબાઈલ ફોન કબજે કરી કોલ ડિટેઇલ કાઢવાની એસીબીએ તજવીજ  હાથ ધરી છે.


Google NewsGoogle News