સામાન્ય અકસ્માત બાદ પીકઅપ ચાલક આધેડને ૧૫૦ મીટર સુધી ઢસડી જતા મોત
- કતારગામ
રત્નમાલા સર્કલ નજીકની ઘટના
- બાઇક સવાર પિતા-પુત્ર પૈકી બેંકના પટાવાળા ચાલકને સમજાવવા ગયા તો માથાકૂટ કરી પીકઅપ ચઢાવી હંકારી દીધી : હત્યાનો ગુનો નોંધાયો
- કામરેજ ભરવાડવાસમાં રહેતા પીકઅપ ચાલક મયુર મેરને સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો
સુરત :
કતારગામ વિસ્તારમાં શનિવારે સાંજે બાઇકને પીકઅપ ટેમ્પાએ ટક્કર મારતા પીકઅપ ચાલકને સમજાવા ગયેલા બેંકના પટાવાળા એવા આધેડ સાથે માથાકૂટ કરીને ચાલકે પીકપ ચઢાવી દીધો હતો. અને પછી પુરઝડપે હંકારી આધેડને લગભગ ૧૫૦ મીટર સુધી ઢસડી જતાં ઘટના સ્થળે મોત થયું હતું. પોલીસે પીકઅપ ચાલક સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમરોલીના વરિયાવ તારવાડી ખાતે માહ્યાવંંશી મોહલ્લામાં રહેતા ૫૫ વર્ષના જીતેન્દ્રભાઇ વિશરામભાઈ કંથારીયા શનિવારે સાંજે કતારગામ ગજેરા સર્કલ પાસે પુત્ર ભાવિનને લેવા ગયા હતા. ત્યાંથી બાઈક પર બંને ઘરે જવા નીકળ્યા હતા. તે સમયે કતારગામ વિસ્તારમાં રત્નમાલા સર્કલ નજીક તેમની બાઈકને ફોર વ્હીલ પીકઅપ ટેમ્પાએ ટક્કર મારી હતી. જેથી બાઇક સવાર પિતા-પુત્રએ પીકઅપ ચાલકને બરાબર ગાડી ચલાવવા માટે કહ્યું હતું. પણ પીકઅપ ચાલકે બંનેને ગાળો આપી ઝઘડો કર્યો હતો. જેથી જીતેન્દ્રભાઇ પીકઅપ ટેમ્પા ચાલકને સમજાવવા ગયા હતા. ત્યારે ચાલકે તેમને સાઇડમાં ખસી જા નહીં તો હું ટેમ્પો ચઢાવી દઇશ એવી ધમકી આપી હતી. અને તરત જ પીકઅપ ટેમ્પોને ફુલ સ્પીડમાં હંકારી દેતાં જીતેન્દ્રભાઇ પીકઅપના આગળના ટાયરના ભાગે આવી ગયા હતા. પીકઅપ ચાલકે લગભગ ૧૦૦થી ૧૫૦ મીટર સુધી જીતેનદ્રભાઇને ઢસડયા હતા.
જેને પગલે દોડધામ મચી ગઇ હતી. અને ભેગા થયેલા લોકોએ પીકઅપનો પીછો કરી જીતેન્દ્રભાઇને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. એક શખ્સે તો પીકઅપ સાથે દોડીને તેને થોભાવવા કહેતા છેવટે ચાલકે પીકઅપ થોભાવીને થોડી પાછળ લીધી હતી. ત્યારે લોકો જીતેન્દ્રભાઇને ટાયર નીચેથી કાઢ્યા હતા પણ ગંભીર ઇજાના કારણે તેમનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. બીજી તરફ પીકઅપનો ચાલક ફરી પુરઝડપે હંકારીને ભાગી છુટયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. મરનાર જીતેન્દ્રભાઇને સંતાનમાં બે દીકરા, એક દીકરી છે. તે પુણા ખાતે બેંક ઓફ બરોડા બેંકમાં પ્યુન તરીકે ફરજ બજાવતા હતા.
આ ગંભીર બનાવમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ટેમ્પા ચાલક મયુર અર્જુન મેર (ઉ.વ.૩૯, રહે. ભરવાડવાસ, શ્યામનગરની સામે, કામરેજ)ને ગણતરીના કલાકોમાં લાલદરવાજા ખાતે ખોડીયાર માતાના મંદિર પાસેથી ઝડપી લીધો હતો. આ બનાવ અંગે કતારગામ પોલીસે ટેમ્પા ચાલક મયુર સામે એટ્રોસિટી અને હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.